નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સના મેડલ વિજેતાંઓ તેમ જ અન્ય ઍથ્લીટો ગુરુવારે સ્વાતંત્ર્ય દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીમાં તેમના નિવાવસ્થાને મળ્યા હતા. પ્રાઇમ મિનિસ્ટરે દરેક ઑલિમ્પિયનની ભરપૂર પ્રશંસા તો કરી જ હતી, તેમણે વ્યક્તિગત રીતે તેમની સિદ્ધિમાં તેમ જ તેમના પ્રયાસો અને અનુભવો સાંભળવામાં રસ દાખવ્યો હતો. ખાસ કરીને, નિશાનબાજીના બે ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીતીને પાછી આવેલી બાવીસ વર્ષની શૂટર મનુ ભાકરે વડા પ્રધાન સાથેની વાતચીત દરમ્યાન તેમને પોતાની એ પિસ્તોલ બતાડી હતી જેનાથી તે પૅરિસમાં બન્ને બ્રૉન્ઝ મેડલ જીતી હતી.
મનુ ભાકરે 10 મીટર ઍર પિસ્તોલ ઇન્ડિવિજ્યૂઅલ ઇવેન્ટમાં ત્રીજા સ્થાને આવીને કાંસ્યચંદ્રક જીતી લીધો હતો. ત્યાર બાદ તેણે હરિયાણાના જ સરબજોત સિંહ સાથેની જોડીમાં 10 મીટર ઍર પિસ્તોલ મિક્સ્ડ-ઇવેન્ટમાં ભારતને કાંસ્યચંદ્રક અપાવ્યો હતો. મનુ ભાકર એક જ ઑલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ઍથ્લીટ છે. વડા પ્રધાન મોદીએ પૅરિસ ઑલિમ્પિક્સ પહેલાં ‘મન કી બાત’માં ભારતીય સ્પર્ધકોને ભરપૂર શુભેચ્છા આપી હતી.
આ પણ વાંચો :દુનિયા એની સિદ્ધિથી અંજાઇ, પણ મનુ ભાકર તો…..
ભારતે નીરજ ચોપડાના ભાલાફેંકના સિલ્વર મેડલ સહિત કુલ છ મેડલ જીતી લીધા હતા જેમાંના બે બ્રૉન્ઝ મનુ ભાકરના નામે હતા. તે ત્રીજી ઇવેન્ટમાં જરાક માટે બ્રૉન્ઝ મેડલ ચૂકી ગઈ હતી. બાકીના ત્રણ બ્રૉન્ઝમાંથી એક મેડલ મેન્સ હૉકી ટીમે, એક મેડલ રેસલર અમન સેહરાવતે અને એક મેડલ શૂટર સ્વપ્નિલ કુસાળેએ મેળવ્યો હતો.
મનુ ભાકરે પીએમ મોદી સાથે વ્યક્તિગત રીતે ઘણી વાતચીત કરી હતી. એ દરમ્યાન મનુ ભાકરે મોદીને પોતાની સ્પોર્ટ્સ પિસ્તોલ બતાવતાં કહ્યું હતું કે ‘હું આ જ પિસ્તોલથી બન્ને બ્રૉન્ઝ જીતી છું.’ મોદીએ ખૂબ રસપૂર્વક એ પિસ્તોલ જોઈ હતી અને અસંખ્ય સ્પર્ધકોની હરીફાઈ વચ્ચે જીતેલા બે બ્રૉન્ઝ બદલ તેને શાબાશી આપી હતી.
સરબજોત સિંહ તેમ જ કુસાળેએ પણ વડા પ્રધાન સાથે વાતચીત કરી હતી અને મોદીએ બન્નેને ખૂબ શાબાશી આપી હતી અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે શુભેચ્છા પણ આપી હતી.
મોદીને ઑલિમ્પિક મેડલ વિજેતા હૉકી ટીમના દરેક ખેલાડીનો ઑટોગ્રાફ ધરાવતી હૉકી સ્ટિક ભેટ મળી હતી. મોદી સાથેની મુલાકાત દરમ્યાન હાજર હૉકીના મુખ્ય ખેલાડીઓમાં ગોલકીપર પીઆર શ્રીજેશ અને કૅપ્ટન હરમનપ્રીત સિંહનો સમાવેશ હતો. શ્રીજેશે મોદીને હૉકીની જર્સી ભેટ આપી હતી.
સિલ્વર મેડલિસ્ટ નીરજ ચોપડા હજી ભારત પાછો ન આવ્યો હોવાથી મોદી સાથેના આ સમારંભમાં તે હાજર નહોતો. મોદીએ બૅડમિન્ટનમાં બ્રૉન્ઝ ચૂકી ગયેલા લક્ષ્ય સેન સાથે તેમ જ બૉક્સિગંની ટોક્યો ઑલિમ્પિક મેડલિસ્ટ લવલીના બોર્ગોહેઇન સાથે અને આ વખતે વેઇટલિફ્ટિંગમાં બ્રૉન્ઝ ચૂકી જનાર મીરાબાઈ ચાનુ સાથે પણ વાતચીત કરી હતી.
આ સમારોહમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર ડૉ. મનસુખ માંડવિયા તેમ જ ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશનનાં પ્રમુખ પી. ટી. ઉષા પણ ઉપસ્થિત હતાં.
એ પહેલાં, પૅરિસ ઑલિમ્પિક્સ માટેના ભારતીય સંઘના મેમ્બર્સ દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે વડા પ્રધાન મોદીના પ્રવચન વખતે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા.