ટોપ ન્યૂઝનેશનલસ્પોર્ટસ

મનુ ભાકરે કહ્યું, ‘હું અને નીરજ ચોપડા છ વર્ષથી એકમેકના…’

રોહતક: ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાલાફેંકની હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા પૅરિસ ઑલિમ્પિક્સના છેલ્લા દિવસોમાં સિલ્વર મેડલ જીત્યો હોવાથી ચર્ચામાં હતો. જોકે શૂટર મનુ ભાકર બે બ્રોન્ઝ મેડલ જીતી હોવાથી આ ઑલિમ્પિક ગેમ્સની શરૂઆતથી જ ચર્ચામાં હતી. હવે આ જ બંને એથ્લીટને લઈને એક અટકળ ચર્ચાના ચકડોળે ચડી છે જેના પર ખુદ મનુ ભાકરે પ્રતિક્રિયા આપી છે.

મનુ ભાકર અને નીરજ ચોપડાના મમ્મી તાજેતરમાં પૅરિસની એક ઇવેન્ટમાં ભેગાં થઈ ગયાં હતાં ત્યારે મનુ ભાકરનાં મમ્મી સુમેધા ભાકર સિલ્વર મેડલિસ્ટ નીરજ ચોપડા સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, સુમેધા ભાકરે નીરજનો હાથ પોતાના માથા પર મૂક્યો હતો અને તેઓ ભાવુક થઈને ચર્ચામાં મશગૂલ જણાયા હતા. બીજી તરફ, નીરજ અને મનુ ભાકર વાતચીત કરી રહ્યા હોય એવી તસવીર પણ વાઈરલ થઈ હતી.

વાઈરલ થયેલી આ તસવીરો પરથી સોશિયલ મીડિયામાં એવી અટકળ ચાલી હતી કે ‘મનુ ઔર નીરજ કા રિશ્તા પક્કા.’
જોકે ત્રણ દિવસ પહેલાં મનુ ભાકરના પપ્પા રામ કિશન ભાકરે આ વાતને માત્ર અફવા ગણાવતા કહ્યું હતું કે ‘મારી દીકરી મનુ હજી બહુ નાની છે અને તેના લગ્ન વિશે અમે હજી કોઈ વિચાર પણ નથી કર્યો.’

હવે ખુદ શૂટિંગ સેન્સેશન મનુ ભાકરે એક જાણીતી ચેનલને ઇન્ટરવ્યૂમાં સીધી અને સ્પષ્ટ પ્રતિક્રિયામાં એવું કહ્યું હોવાનું મનાય છે કે ‘મારા મમ્મી અને નીરજ વચ્ચેની વાતચીતવાળા વીડિયો વિશે હું નથી જાણતી, કારણકે હું ત્યારે હાજર નહોતી. હા, એટલું જરૂર કહીશ કે હું અને નીરજ 2018ની સાલથી (છ વર્ષથી) ઇવેન્ટ વખતે એકમેકનાં સંપર્કમાં આવી જતા હોઈએ છીએ. એકબીજાને મળી લઈએ એટલે થોડી વાતચીત કરી લઈએ.

એ સિવાય અમારી વચ્ચે ખાસ કોઈ વાતચીત નથી થતી. ઇવેન્ટ દરમિયાન અમે થોડી વાતો કરી લઈએ. જોકે અત્યારે અમારા બન્ને વિશે જે વાત ફેલાઈ છે એ માત્ર અફવા છે. એ વાતમાં કંઈ જ તથ્ય નથી.’ ઉલ્લેખનીય છે કે 22 વર્ષની મનુ અને 26 વર્ષનો નીરજ, બન્ને હરિયાણાના છે. નીરજ ભારતીય લશ્કરમાં સુબેદાર મેજર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button