
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા આજે 122મી વખત સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ઓપરેશન સિંદૂર, ગુજરાતમાં સિંહની થયેલી વસ્તી ગણતરી સહિત અનેક મુદ્દા પર વાત કરી હતી.
મન કી બાતના 122માં એપિસોડની હાઈલાઈટ્સ
આજે સમગ્ર દેશ આતંકવાદ સામે એકજૂથ છે. લોકોમાં આક્રોશ છે. દરેક ભારતીયનો સંકલ્પ આતંકવાદને ખતમ કરવાનો છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેનાએ જે પરાક્રમ દર્શાવ્યું તેનાથી દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થયું છે. જે સચોટતા સાથે આપણી સેનાએ સરહદ પાર આતંકી ઠેકાણાને ધ્વસ્ત કર્યા તે અદ્ભૂત છે. ઓપરેશન સિંદૂરે વિશ્વભરમાં આતંક સામે લડાઈનો નવો વિશ્વાસ ઉભો કર્યો છે અને ઉત્સાહ વધાર્યો છે.
ઓપરેશન સિંદૂર માત્ર એક સૈન્ય મિશન નથી, આપણા સંકલ્પ, સાહસ અને બદલાતા ભારતની તસવીર છે. આ તસવીરે સમગ્ર દેશને તિરંગા રંગમાં રંગી દીધો છે. સોશિયલ મીડિયા પર કવિતાઓ લખવામાં આવી રહી છે, સંકલ્પ ગીત ગાવામાં આવે છે, નાના બાળકો પેઈન્ટિંગ બનાવી રહ્યા છે. અનેક માતાએ આ સમય ગાળા દરમિયાન જન્મ લેનારા તેમના બાળકોનું નામ સિંદૂર રાખ્યું છે.
પીએમ મોદીએ કહ્યું એશિયાટિક સિંહોની વસ્તીમાં થયેલો વધારો દર્શાવે છે કે જ્યારે સમાજમાં માલિકીની ભાવના મજબૂત બને ત્યારે અદ્ભુત પરિણામો મળે છે. થોડા દાયકાઓ પહેલા ગીરમાં પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક હતી. પરંતુ ત્યાંના લોકો પરિવર્તન લાવવા માટે એકસાથે આવ્યા. ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં મહિલાઓને મોટા પાયે ફોરેસ્ટ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવી. આ બધાએ આપણે આજે જે પરિણામો જોઈ રહ્યા છીએ તેમાં ફાળો આપ્યો છે. વન્યજીવ સંરક્ષણ માટે આપણે આ રીતે જ સતર્ક અને સાવધાન રહેવું પડશે.
થોડા દિવસો પહેલાં, હું પ્રથમ રાઇઝિંગ નોર્થ ઇસ્ટ સમિટમાં ગયો હતો. તે પહેલાં પૂર્વોત્તરની શક્તિને સમર્પિત ‘અષ્ટલક્ષ્મી મહોત્સવ’ પણ ઉજવ્યો હતો. પૂર્વોત્તર કંઈક અસાધારણ છે; તેની શક્તિ, તેની પ્રતિભા ખરેખર અદ્ભુત છે. મને ક્રાફ્ટેડ ફાઇબર્સ વિશે એક રસપ્રદ વાર્તા જાણવા મળી. ક્રાફ્ટેડ ફાઇબર્સ ફક્ત એક બ્રાન્ડ નથી; તે સિક્કિમની પરંપરા, વણાટની કળા અને આજના ફેશનની સુંદર સંગમ છે. તેની શરૂઆત વ્યવસાયે પશુચિકિત્સા ડોક્ટર એવા ડો. ચેવાંગ નોરબુ ભુટિયાએ કરી હતી. તેમણે વિચાર્યું… શા માટે વણાટને એક નવું પરિમાણ ન આપવું? અને આ વિચારથી ક્રાફ્ટેડ ફાઇબર્સનો જન્મ થયો. તેઓ ફક્ત કપડાં નથી બનાવતા, તેઓ જીવન વણે છે. તેઓ સ્થાનિક લોકોને કૌશલ્ય તાલીમ પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવે છે.
મહિલાઓ ગામડામાં ડ્રોન ઉડાવી રહી છે. ડ્રોન દીદી દ્વારા ખેતીવાડીમાં નવી ક્રાંતિ આવી છે. ઘણી મહિલાઓ 50 એકર જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરી રહી છે. જેમાં તેઓ સવારે ત્રણ કલાક અને સાંજે બે કલાક કામ કરે છે. ગામડાઓ પણ આ પરિવર્તન સ્વીકારવા લાગ્યા છે. મહિલાઓ હવે ડ્રોન ઓપરેટર તરીકે નહીં પણ સ્કાય વોરિયર્સ તરીકે ઓળખાય છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસને હવે એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. આ અવસર આપણને યાદ અપાવે છે કે જો તમે હજી પણ યોગથી દૂર છો, તો હમણાં જ યોગ સાથે જોડાઈ જાઓ. યોગ તમારા જીવન જીવવાની રીતને બદલી નાખશે. 21 જૂન, 2015 ના રોજ ‘યોગ દિવસ’ની શરૂઆત થઈ ત્યારથી, તેના પ્રત્યેનું આકર્ષણ સતત વધી રહ્યું છે. અસંખ્ય સંસ્થાઓ યોગ દિવસ માટે તેમની તૈયારીઓ શેર કરી રહી છે. છેલ્લા વર્ષોના ચિત્રો ખૂબ પ્રેરણાદાયક રહ્યા છે. વિવિધ દેશોના લોકોએ ‘યોગ ચેઇન’ અથવા ‘યોગ રિંગ’ બનાવી છે.
મન કી બાતની ક્યારે શરૂઆત થઈ હતી
મન કી બાત કાર્યક્રમની શરૂઆત 3 ઓક્ટોબર, 2014ના રોજ થઈ હતી. તેન 22 ભારતીય ભાષામાં પ્રસારિત કરવામાં આવે છે. આ ઉપરાંત 11 વિદેશી ભાષામાં પણ પ્રસારિત કરવામાં આવે છે. મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના 500થી વધારે કેન્દ્રો પર કરવામાં આવે છે.
આ પણ વાંચો…પીએમ મોદી ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરશે