ભારતના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ નાણામંત્રી મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. તેમને દેશમાં ઉદારીકરણના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. તેમના દ્વારા લેવામાં આવેલા પગલાઓએ માત્ર દેશની અર્થવ્યવસ્થા જ નહીં પરંતુ શેરબજારને પણ નવી દિશા આપી હતી.
જેમણે રોકાણકારોને બજારમાંથી જંગી નફો રળવાની તક આપી. જે હજુ પણ યથાવત છે. ડૉ . મનમોહન સિંહ વર્ષ 1991માં દેશના નાણામંત્રી બન્યા અને ત્યારથી બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં 79 ગણો વધારો થયો છે.
વિદેશી કંપનીઓ માટે ભારતીય બજાર ખોલ્યું
ડૉ. મનમોહન સિંહ વર્ષ 1991 થી 1996 સુધી તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવની સરકારમાં નાણામંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા આર્થિક સુધારાની અસર ભારતીય શેરબજાર પર સ્પષ્ટપણે જોવા મળી હતી.
આપણ વાંચો: પાકિસ્તાનથી લઈ અમેરિકાના અખબારોએ ડૉ. મનમોહન સિંહના નિધન અંગે કરી મોટી વાત, જાણો કોણે શું લખ્યું?
તેમની નીતિઓ અને આર્થિક સુધારા માટે લીધેલા પગલાઓ દ્વારા, તેમણે ભારતીય અર્થતંત્રને ઉદાર બનાવ્યું અને લાયસન્સ રાજ નાબૂદ કરીને વિદેશી કંપનીઓ માટે ભારતીય બજાર ખોલ્યું. આનાથી ભારતીય શેરબજારને મૂળભૂત રીતે નવી દિશા અને આકાર મળ્યો.
કંપનીઓના લિસ્ટિંગમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો
નિષ્ણાતોના મતે વર્ષ 1991માં લાયસન્સ રાજ નાબૂદ કરવા જેવા નાણા મંત્રી તરીકે મનમોહન સિંહના સાહસિક પગલાંએ ખાનગી સાહસો માટે શક્યતાઓ ખોલી હતી.
જેના કારણે સ્ટોક એક્સચેન્જમાં કંપનીઓના લિસ્ટિંગમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. એકલા 1991-92માં જ, BSE સેન્સેક્સ લગભગ 263 ટકા વધીને 4,500 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જે વર્ષ 1991માં માત્ર 1,000 પોઈન્ટ હતો.
આપણ વાંચો: અંદાઝ-એ-બયાંઃ મનમોહન સિંહ અને સુષ્મા સ્વરાજ વચ્ચે થતી હતી શાયરાના જુગલબંધીઃ જૂઓ વીડિયો
સેન્સેક્સે 2004-2014માં 382 ટકા નો મજબૂત વધારો નોંધાવ્યો
તેની બાદ જ્યારે મનમોહન સિંહ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમના બે કાર્યકાળ દરમિયાન સેન્સેક્સે પણ જોરદાર છલાંગ લગાવી હતી. સેન્સેક્સે 2004-2014માં 382 ટકા નો મજબૂત વધારો નોંધાવ્યો હતો. તેમજ વધતા વિદેશી રોકાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથની અસર શેરબજાર પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.
સેબીની રચના સહિત વિવિધ સંસ્થાકીય સુધારાઓનું નેતૃત્વ કર્યું
બજાર નિષ્ણાતોના મતે 1991ના ઉદારીકરણના સુધારા બાદ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. મનમોહન સિંહ 4 એપ્રિલ 1992ના રોજ સેબીની રચના સહિત વિવિધ સંસ્થાકીય સુધારાઓનું નેતૃત્વ કર્યું હતું.
જે શેરબજારમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું હતું. તેમના સુધારાત્મક પગલાંની અસર દેશના જીડીપી પર પણ જોવા મળી હતી અને મનમોહન સિંહના વડા પ્રધાન તરીકેના પ્રથમ કાર્યકાળ દરમિયાન જીડીપી વૃદ્ધિ સરેરાશ 6.9 ટકા હતી.
આપણ વાંચો: સોનિયા ગાંધીના વફાદાર હતા, એટલે મનમોહન સિંહ બન્યા હતા પીએમઃ સંજય બારુના પુસ્તકની અજાણી વાતો જાણો
સેન્સેકસ અત્યાર સુધી લગભગ 79 ગણો વધ્યો
આ ઉપરાંત એકંદરે બીએસઇ સેન્સેક્સ 1991 માં લગભગ 1000 પોઇન્ટના સ્તરે હતો. ત્યારથી તે અત્યાર સુધી લગભગ 79 ગણો વધ્યો છે. જો કે વર્ષ 2024માં તે 85000 પોઇન્ટ વટાવી ગયો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ઘટાડો થયો હોવા છતાં તે 79,000 આસપાસ રહે છે.
ઉદારીકરણની નીતિઓના લીધે ભારત હજુ પણ આગળ વધશે
તેમજ બજારે સતત 9મા વર્ષે રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. તેમજ શેરબજારના રોકાણકારો આગામી વર્ષોમાં વધુ સારું વળતર મેળવવાનું ચાલુ રાખશે તેવું અનુમાન છે. તેમજ ડૉ. મનમોહન સિંહના ઉદારીકરણની નીતિઓના લીધે ભારત હજુ પણ આગળ વધશે.