નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર વચ્ચે તકરાર ચાલી રહી છે. કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાનોની જેમ રાજઘાટ પાસે તેમના અંતિમ સંસ્કાર માટે જમીનની માંગણી કરી હતી, જ્યાં પાછળથી તેમનું સ્મારક પણ બનાવવામાં આવે. જોકે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટે નિગમ બોધ ઘાટની જગ્યા નક્કી કરી છે અને તેમના સ્મારક માટે ટૂંક સમયમાં જમીન ફાળવવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો : એ દિવસે Manmohan Singhની હોકીનો બોલ ઝીણાને વાગ્યો અને…
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે રાત્રે કહ્યું હતું કે સરકાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવશે અને આ અંગે તેમના પરિવાર અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જાણ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે એક ટ્રસ્ટની રચના કરવી પડશે અને જગ્યા ફાળવવી પડશે, આ દરમિયાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ થઈ શકે છે.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી હતી કે પૂર્વ વડાપ્રધાન સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બનાવી શકાય.
ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે લગભગ બપોરે 12 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર પૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે સ્થળ શોધવામાં સરકારની નિષ્ફળતા એ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાનનું ઈરાદાપૂર્વકનું અપમાન છે.
કૉંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કહ્યું હતું કે, “આપણા દેશના લોકો એ સમજવામાં અસમર્થ છે કે શા માટે ભારત સરકાર તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે સ્થળ શોધી શકી નહીં જે તેમના વૈશ્વિક કદ, ઉત્કૃષ્ટ સિદ્ધિઓના રેકોર્ડ અને દાયકાઓથી રાષ્ટ્રની અનુકરણીય સેવાને અનુરૂપ હોય.” રમેશે આરોપ લગાવ્યો હતો કે આ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું જાણી જોઈને અપમાન છે.
આ પણ વાંચો : છેલ્લે લોકસભાની ચૂંટણી વખતે ડો. મનમોહન સિંહે શું કહ્યું હતું, જાણો?
દરમિયાન એવી માહિતી મળી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે દિલ્હીના નિગમ બોધ ઘાટ પહોંચશે. મનમોહન સિંહના પરિવારના સભ્યો નિગમ બોધ ઘાટ પહોંચી ચૂક્યા છે.