મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાઇ, હવે તે 7 મે સુધી જેલમાં રહેશે

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધે એવા સમાચાર આવ્યા છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે.
રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં આરોપો ઘડવાની માંગણી કરતી અરજી પર કેન્દ્રીય તપાસ એજન્સી પાસેથી જવાબ માંગ્યો છે અને સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી છે. કોર્ટ રૂમમાં દલીલ પૂરી થતાં જ સિસોદીયાના વકીલ બહાર નીકળી ગયા હતા. તેમના આવા રવૈયા સામે કોર્ટે લાલ આંખ કરી હતી.
આપણ વાંચો: મનીષ સિસોદિયાને કોર્ટે આપ્યો ઝટકો, પ્રચાર માટે જામીન અરજી પર કોર્ટે ચુકાદો રાખ્યો અનામત
આ પહેલા શનિવારે કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. CBI અને EDના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને સિસોદિયાના વકીલની દલીલો સાંભળ્યા બાદ 30 એપ્રિલ સુધી પોતાનો આદેશ અનામત રાખ્યો હતો . AAP નેતાએ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વચગાળાની જામીન અરજી દાખલ કરી છે.
CBI અને EDએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં સુધારો કરતી વખતે અનિયમિતતા આચરવામાં આવી હતી. લાયસન્સ ધારકોને અનુચિત લાભો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સક્ષમ અધિકારીની મંજુરી વિના લાયસન્સ ફી માફ કરવામાં આવી હતી અથવા ઘટાડવામાં આવી હતી અને લાઇસન્સ ફાળવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.