ટોપ ન્યૂઝનેશનલ

મનીષ સિસોદીયાનો તાજી હવામાં પહેલો દિવસઃ પત્ની સાથે ચાની મજા માણી, સુનીતા કેજરીવાલ સાથે કરી મુલાકાત

સિસોદિયા જેલની બહાર આવ્યા ત્યારે AAPના રાજ્ય સભાના સાંસદ સંજય સિંહ અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ તેમનું સ્વાગત કર્યું હતું.

સિસોદિયા એ જેલમાંથી મુક્ત થયા બાદ શનિવારે સવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે આઝાદીની સવારે પહેલી ચા. 17 મહિના પછી….. તેમણે તેમની પત્ની સાથે ચા પીતાની તસ્વીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે બંધારણે દેશના તમામ લોકોને ખુલ્લામાં શ્વાસ લેવાની સ્વતંત્રતા આપી છે. સિસોદિયાને મુક્ત કરતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે મનીષ સિસોદિયા સમાજ માટે સન્માનનીય વ્યક્તિ છે તેથી તેઓ એવું કોઈ કામ નહીં કરે, જેનાથી તેમની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચે. તેમના દેશમાંથી ભાગી જવાની કોઈ શક્યતા નથી. વધુમાં કોટે એમ પણ કહ્યું હતું કે સિસોદિયા વિરુદ્ધ હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી અને તેમની સામે આગળની કાર્યવાહી કરવાની શક્યતા ઘણી ઓછી છે.

આ પહેલા જેલમાંથી છૂટ્યા બાદ મનીષ સિસોદિયા સૌથી પહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલને મળવા માટે સીએમ આવાસ પહોંચ્યા હતા. તેમને મળીને તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. કેજરીવાલ હજુ પણ જેલમાં છે એવા સમયે જેલમાંથી સિસોદિયાની મુક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એ સમયે પાર્ટીને મજબૂત કરવા માટે સિસોદિયાને જેલમાંથી બહાર આવવું ઘણું જ મહત્વનું છે. લોકસભાની ચૂંટણી દરમિયાન AAP પાર્ટી દિલ્હીમાં એ પણ બેઠક જીતી શકી ન હતી

નોંધનીય છે કે દિલ્હી સરકારે નવી લીકર પોલિસી બનાવી હતી જેમાં ઇડીએ મની લોન્ડરિંગ સંબંધિત બાબતે તપાસ શરૂ કરી હતી જેમાં સિસોદિયા અને અરવિંદ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ સિસોદિયાને 17 મહિના જેલમાં રહેવું પડ્યું હતું. આ દરમિયાન તેમણે નાયબ મુખ્યપ્રધાન પદ પરથી પણ રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ ઇડીએ અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ કરી હતી. જો કે, સિસોદિયા હવે લગભગ 17 મહિના પછી જેલમાંથી મુક્ત થઈ ગયા છે, તેથી હવે AAPને રાહત થઇ છે. અરવિંદ કેજરીવાલ સિસોદિયા પર ઘણો વિશ્વાસ કરે છે અને તેઓ પાર્ટીમાં બીજા નંબરે છે. જેલમાંથી છૂટ્યા બાદ તેને સરકારનો હિસ્સો બનાવવામાં આવે એવી શક્યતા છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button