મનીષ સિસોદિયાને કોર્ટે આપ્યો ઝટકો, પ્રચાર માટે જામીન અરજી પર કોર્ટે ચુકાદો રાખ્યો અનામત

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણી પ્રચાર માટે વચગાળાની જામીન અરજી કરી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમં આ મામલે આજે સુનાવણી યોજાઈ અને કોર્ટે પોતાનો ચુકાદો 30 એપ્રિલ સુધી સુરક્ષિત રાખ્યો છે. સીબીઆઈએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો છે.
આ કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈએ મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સીબીઆઈના વકીલે કહ્યું કે તેમને જામીન આપી શકાય નહીં, કેમ કે કોર્ટ દ્વારા તેમને આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાવવા આવ્યા છે. સીબીઆઈએ કહ્યું કે જામીન મળવાથી તેઓ આગળની તપાસ અને પૂરાવાઓેને પ્રભાવિત કરી શકે છે.
જો કે મનીષ સિસોદિયાના વકીલે જામીન અરજી પાંછી ખેંચી લીધી હતી, સિસોદિયાના વકિલે કહ્યું કે કોર્ટ નિયમિત જામીન અંગે તેનો ચુકાદો અનામત રાખી ચુકી છે. એટલા માટે તે વચગાળાની જામીન અરજી પાછી ખેંચી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, મનીષ સિસોદિયાની CBI દ્વારા 26 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. 9 માર્ચ, 2023 ના રોજ, EDએ CBI FIR સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી.
સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ દરેક વખતે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. ગયા મહિને સિસોદિયાએ ફરીથી ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેના પર સુનાવણી બાકી છે.