દિવાળી પહેલા ઘરે પહોંચ્યા મનીષ સિસોદિયા

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને દિવાળી પહેલા કોર્ટમાંથી મોટી રાહત મળી છે. આજે મનીષ સિસોદિયા પોતાની બીમાર પત્નીને મળવા ઘરે પહોંચ્યા છે. કોર્ટે સિસોદિયાને ઘણી શરતો સાથે તેમની પત્નીને મળવાની મંજૂરી આપી છે.
એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસના આરોપી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ આ વખતે જેલમાં જ દિવાળી મનાવશે. રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં ધરપકડ કરાયેલા આપ નેતા સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 24 નવેમ્બર સુધી વધારી દીધી છે. જ્યારે સિસોદિયાને તેમની બીમાર પત્નીને છ કલાક સુધી મળવાની મંજૂરી આપવામાં આવી હતી.
સ્પેશિયલ જજ એમ કે નાગપાલે પોલીસ કસ્ટડીમાં રહેલા સિસોદિયાને સવારે 10 થી સાંજના 4 વાગ્યાની વચ્ચે તેમની બીમાર પત્નીને તેમના ઘરે મળવાની મંજૂરી આપી હતી. તેમણે પાંચ દિવસ સુધી બીમાર પત્નીને મળવાની પરવાનગી માંગી હતી.
કોર્ટે અગાઉ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 22 નવેમ્બર સુધી લંબાવી હતી. સીબીઆઈ અને ઈડી બંનેએ સિસોદિયાની આ અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આરોપી કઈ કાયદાકીય જોગવાઈઓ હેઠળ પરવાનગી માંગી રહ્યા છે.