મણિપુર હિંસાઃ બિનવારસી મૃતદેહોના સાત દિવસમાં અંતિમ સંસ્કારનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેંચે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત ભૂતપૂર્વ હાઈ કોર્ટ ન્યાયાધીશોની મહિલા સમિતિ દ્વારા એક અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે, જે રાજ્યમાં શબઘરમાં પડેલા મૃતદેહોની સ્થિતિ દર્શાવે છે. આ સમિતિનું નેતૃત્વ ન્યાયમૂર્તિ (નિવૃત્ત) ગીતા મિત્તલ દ્વારા કરવામાં આવ્યું હતું.
તેણે એ પણ નોંધ્યું છે કે 169 મૃતદેહમાંથી 81 પર તેમના સંબંધીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે, જ્યારે 88 મૃતદેહો પર કોઈનો દાવો થયો નથી. બેન્ચે અવલોકન કર્યું હતું કે રાજ્ય સરકારે નવ સ્થળની ઓળખ કરી છે જ્યાં મૃતદેહોને દફનાવી શકાય છે.
બેન્ચે કહ્યું હતું કે જે મૃતદેહોની ઓળખ થઈ નથી અથવા દાવો કરવામાં આવ્યો નથી તેવા મૃતદેહોને અનિશ્ચિત સમય માટે શબઘરમાં રાખવા યોગ્ય નથી.
મંગળવારે સુનાવણી દરમિયાન, ખંડપીઠે નિર્દેશ આપ્યો કે પરિવારના સભ્યો દ્વારા મૃતદેહોને કોઈપણ અવરોધ વિના પહેલેથી નિર્ધારિત નવમાંથી કોઈપણ સ્થળે અંતિમ સંસ્કાર કરી શકાય છે. જે સંબંધીઓએ પહેલેથી પોતાના સ્વજનના મૃતદેહ પર દાવો કર્યો છે તેમને માર્ગદર્શન આપવામાં આવે અને અંતિમવિધિની સવલતો આપવામાં આવે. આ માટે કોર્ટે ચોથી ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જે મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે, પરંતુ દાવો કરવામાં આવ્યો નથી, તેમને રાજ્ય વહીવટીતંત્ર સોમવારે એક અઠવાડિયાની અંદર જરૂરી ધાર્મિક વિધિઓ સાથે અંતિમસંસ્કાર કરવાનો નિર્દેશ આપશે. બેન્ચે કહ્યું કે કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP) કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અંતિમસંસ્કાર સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે તે માટે તમામ યોગ્ય પગલાં લેવા માટે સ્વતંત્ર હશે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું, ‘જો પોસ્ટમોર્ટમ સમયે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા ન હોય, તો રાજ્યએ સુનિશ્ચિત કરવું પડશે કે દફન / અગ્નિસંસ્કારની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં આવા નમૂના લેવામાં આવે.