
ઇમ્ફાલ: ગત વર્ષે મે મહિનામાં ઉત્તર પૂર્વ ભારતના મણિપુર રાજ્યમાં ફાટી નીકળેલી હિંસા (Manipur violence) હજુ પણ ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોથી અથડામણોની ઘટના વધી રહી છે. મણિપુર સરકારે ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે ત્રણ જિલ્લામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સસ્પેન્ડ અને કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
વિપક્ષ કોંગ્રેસે કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે સુરક્ષા દળોને પગલા લેવાના નિર્દેશ આપવા કેન્દ્રીય ગૃહ પ્રધાનના હસ્તક્ષેપની હાકલ કરી છે.
મણિપુરના કોંગ્રેસના સાંસદ એ બિમોલ અકોઈજામે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખ્યો અને ચાલી રહેલી અશાંતિમાં ગેરકાયદેસર વસાહતીઓ, વિદેશી તત્વો અને ગેરકાયદેસર ડ્રગ માફિયાઓની સંડોવણીના આરોપોની સંપૂર્ણ તપાસની માંગ કરી.
રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી અને ખાનગી કોલેજોને 11 અને 12 સપ્ટેમ્બરે બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
મણિપુરમાં તાજેતરમાં ડ્રોન અને રોકેટથી હુમલા કરવામાં આવ્યા હતાં, હવે રાજ્ય પોલીસે એન્ટિ-ડ્રોન સિસ્ટમ્સ તૈનાત કરી છે અને વધારાની એન્ટિ-ડ્રોન સિસ્ટમ્સ અને બંદૂકો મેળવવામાં આવશે છે.
ગયા અઠવાડિયે, મણિપુરના જીરીબામ જીલ્લામાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં છ લોકોના મોત થયા હતા. શંકાસ્પદ કુકી બળવાખોરોએ રાજ્યની રાજધાની ઇમ્ફાલથી 229 કિમી દૂર નુંગચપ્પી ગામને પણ નિશાન બનાવ્યું હતું, જ્યાં 63 વર્ષીય યુરેમ્બમ કુલેન્દ્ર સિંઘાની હત્યા કરવામાં આવી હતી.
શુક્રવારે સાંજે ઇમ્ફાલમાં 2જી અને 7મી મણિપુર રાઇફલ્સ કેમ્પમાંથી ટોળાએ હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોએ તેમને બ્લેન્ક રાઉન્ડ અને ટીયર ગેસના ગોળીબાર કરીને અટકાવ્યા હતા.
મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ મણિપુરમાં હિંસાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યંગ કે ભારત સરકારે હસ્તક્ષેપ કરવાની જરૂર છે.
મણિપુરના વિવિધ જિલ્લાઓમાં કુલ 92 ચેકપોઇન્ટ સ્થાપિત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉલ્લંઘન બદલ 129 લોકોની અટકાયત કરી છે.
મણીપુરના બે સમુદાયો મેઇતેઇ અને કુકીઝ એક બીજા સમુદાય સામે હિંસા કરી રહ્યા છે. કુકીને મળતા વિશેષ આર્થિક લાભો અને નોકરીઓ અને શિક્ષણમાં ક્વોટામાં મેઈતેઈ સમુદાયને પણ આપવાના સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગયા વચ્ચે અથડામણ શરુ થઈ છે. અથડામણ શરૂ થઈ ત્યારથી 225 થી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ 60,000 લોકો વિસ્થાપિત થયા છે.