Manipur violence:મણિપુરમાં 3 લોકોની હત્યા બાદ ઈમ્ફાલ ખીણમાં કર્ફ્યુ લદાયો
ઇમ્ફાલઃ નવા વર્ષના પહેલા જ દિવસે મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. સોમવારે સાંજે થૌબલ જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજ્ઞાત બંદૂકધારીઓ લિલોંગ ચિંગજાઓ વિસ્તારમાં પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હિંસા બાદ થોબલ, ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતુ.
સ્થાનિક અહેવાલો અનુસાર સોમવારે સાંજે થૌબલ જિલ્લાના લિલોંગ વિસ્તારમાં અજાણ્યા સશસ્ત્ર બદમાશો અને સ્થાનિકો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અથડામણમાં ત્રણ લોકોના મોત થયા હતા. અને તેમના મૃતદેહ હજુ સુધી મળી શક્યા નથી. હુમલા બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ ત્રણ કારને આગ ચાંપી દીધી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ કાર કોની હતી.
સીએમ બિરેન સિંહે એક વીડિયો સંદેશ જારી કરીને લિલોંગના લોકોને શાંતિ જાળવવા અને હિંસા ન કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રીએ બદમાશોને આત્મસમર્પણ કરવા અથવા પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી હતી.
નોંધનીય રીતે, ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર 3 મે, 2023 થી વંશીય હિંસાની પકડમાં છે. મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મેઇતી સમુદાયનો હિસ્સો છે અને તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસીઓ – નાગા અને કુકી – વસ્તીના અન્ય 40 ટકા છે અને તેઓ પહાડી જિલ્લાઓમાં રહે છે.અનુસૂચિત જનજાતિના દરજ્જાની તેમની માંગના વિરોધમાં મેઇતી સમુદાયે પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કર્યા પછી રાજ્યમાં હિંસા શરૂ થઈ હતી, જે હજી સુધી બંધ નથી થઇ.