મણિપુર: પવિત્ર ટેકરી પર ક્રોસ અને ધ્વજને બાબતે મેઇતેઈ-કુકી સમુદાયો વચ્ચે તણાવ
મણિપુરના મોઇરાંગ પાસે એક ટેકરી પર ક્રોસ અને એક સમુદાયનો ધ્વજ લગાવવાને કારણે મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ફરી વિવાદ ઊભો થયો છે. રાજધાની ઈમ્ફાલથી 60 કિમી દૂર તળાવ કિનારે આવેલા જિલ્લાના રહેવાસીઓ મેઇતેઈ સમુદાયના લોકો આ ટેકરીને પોતાનું પવિત્ર સ્થળ માને છે. મોઇરાંગનો મેઇતેઇ સમુદાય તેમના દેવતા ઇબુદોઉ થાંગજિંગ માટે થાંગજિંગ ટેકરીને તીર્થસ્થાન માને છે અને ત્યાં પ્રાર્થના માટે જાય છે. આ સમુદાય માને છે કે થાંગજિંગ ટેકરી પરનું આ સ્થળ લગભગ 2,000 વર્ષ જૂનું છે. મેઇતેઈ સમુદાયના જણાવ્યા મુજબ આ સ્થાને હવે ક્રોસ અને ધ્વજ લગાવી અમારી લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે.
અગાઉ ડિસેમ્બર 2015માં મણિપુરની તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા ટેકરીનું નામ બદલવાથી સમુદાયોમાં તણાવ પેદા થયો હતો. મોઇરાંગના રહેવાસીએ જણાવ્યું કે કથિત અતિક્રમણ પહેલીવાર 11 સપ્ટેમ્બરે થયું હતું. એક બળવાખોર જૂથનો ધ્વજ હાલ દૂર કરવામાં આવ્યો છે, જોકે ક્રોસ હજુ પણ ટેકરી પર રહે છે.
જો કે, ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ)ના પ્રવક્તા ગિન્ઝા વુલઝોંગે મેઈતેઈ સમુદાયના પવિત્ર સ્થળ પર કોઈપણ પ્રકારના અતિક્રમણનો ઈન્કાર કર્યો છે. વુલોંગે જણાવ્યું કે મોઇરાંગ લોકોના પવિત્ર સ્થળ પર અતિક્રમણ કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે ક્રોસ એ ખ્રિસ્તી ધર્મનું પ્રતીક છે. તે અહીં ચર્ચ અને ઘરો સહિત ઘણી જગ્યાએ જોઈ શકાય છે. કોઈની જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું નથી, તેથી તેમના મતે આ કોઈ મુદ્દો નથી.
જો કે, એસોસિયેશન ઓફ મેઇતેઈ ઇન ધ અમેરિકા (એએમએ) સહિત અનેક નાગરિક સમાજ જૂથોએ સરકારને થાંગજિંગ ટેકરી પરથી કથિત અતિક્રમણ દૂર કરવા અપીલ કરી છે. તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે થાંગજિંગ ટેકરી પર ક્રોસ અને ધ્વજ લગાવવાથી કેદારનાથ, બદ્રીનાથ અથવા અમરનાથ મંદિર જેવા પવિત્ર સ્થળો જેવા ધાર્મિક સ્થળોના આપમાન જેવું અપમાન છે. એટલા માટે આ ગંભીર બાબત છે.