મણિપુરમાં રાજકીય સંકટઃ સંબિત પાત્રાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરતા રહસ્ય ઘેરાયું…

ઇમ્ફાલ: મણિપુરમાં રાજકીય સંકટ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા સંબિત પાત્રાએ આજે સવારે રાજભવન ખાતે રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી. સૂત્રોએ આ માહિતી આપી હતી. જોકે બેઠકમાં કઇ વાતને લઇને ચર્ચા કરવામાં આવી તે જાણી શકાઇ નથી.
Also read : મોંઘવારી મુદ્દે રાહતઃ ફુગાવાના દરમાં થયો ઘટાડો, સરકારી રિપોર્ટ જાણો
ભાજપના પૂર્વોત્તર પ્રભારી પાત્રા બાદમાં એક હોટેલમાં જતા રહ્યા જ્યાં તેઓ દિવસભર પાર્ટીના ધારાસભ્યોને મળતા રહ્યા હતા. જાતીય હિંસાથી પ્રભાવિત રાજ્યના મુખ્યમંત્રી પદેથી એન.બિરેન સિંહના 9 ફેબ્રુઆરીના રોજ રાજીનામા બાદ નેતૃત્વ સંકટ વચ્ચે પાત્રાના નેતૃત્વમાં ભાજપ પ્રતિનિધિમંડળે મંગળવારે રાજભવન ખાતે ભલ્લા સાથે મુલાકાત કરી હતી.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ભાજપ શાસિત મણિપુર બંધારણીય કટોકટી તરફ આગળ વધી શકે છે કારણ કે તેણે હજુ સુધી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો નથી. તેમણે કહ્યું હતું કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અરુણાભ ચૌધરીએ મીડિયાને કહ્યું હતું કે મણિપુરમાં વિધાનસભા સક્રીય છે. તે સ્થગિત સ્થિતિમાં કે રાષ્ટ્રપતિશાસન હેઠળ નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વિધાનસભા સત્ર યોજવું ફરજિયાત છે. સ્વાભાવિક રીતે આનાથી મોટી બંધારણીય કટોકટી સર્જાશે.
તેમણે કહ્યું કે કલમ 174માં એવી કોઈ જોગવાઈ નથી કે તેને છ મહિનાથી વધુ લંબાવી શકાય અથવા માફ કરી શકાય. કલમ 174માં કહેવામાં આવ્યું હતું કે રાજ્યપાલ સમયાંતરે રાજ્ય વિધાનસભાના દરેક ગૃહ અથવા ગૃહને યોગ્ય લાગે તે સમયે અને સ્થળે મળવા માટે બોલાવશે પરંતુ એક સત્રમાં તેની છેલ્લી બેઠક માટે નક્કી કરેલી તારીખ અને આગામી સત્રમાં તેની પ્રથમ બેઠક માટે નક્કી કરેલી તારીખ વચ્ચે છ મહિનાનું અંતર હોવું જોઇએ નહીં.
Also read : 1984 ના શીખ વિરોધી રમખાણોઃ કૉંગ્રેસ નેતા સજ્જન કુમાર બે શીખની હત્યામાં દોષી…
ચૌધરીએ કહ્યું કે છ મહિના પછી તે બંધારણીય મડાગાંઠ તરફ દોરી જશે અને કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન એકમાત્ર વિકલ્પ રહેશે. બંધારણની કલમ 356 રાષ્ટ્રપતિને કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ પર રાજ્ય પર આ નિયમ લાદવાની સત્તા આપે છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે 9 ફેબ્રુઆરીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને રાજ્યપાલ એકે ભલ્લાએ તેને સ્વીકારી લીધું હતું.