મણિપુરમાં નવી સરકારનો તખ્તો તૈયાર, ખેમચંદ સિંહ લેશે CM તરીકે લેશે શપથ

નવી દિલ્હી: પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા અને અશાંતિના વાદળો હવે વિખેરાઈ રહ્યા હોય તેવું જણાય છે. રાષ્ટ્રપતિ શાસન હેઠળ રહેલા આ રાજ્યમાં લોકતાંત્રિક પ્રક્રિયાને વેગ આપવા માટે ભાજપ હાઈકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં મળેલી મહત્વની બેઠકમાં નવા નેતૃત્વની પસંદગી કરવામાં આવી છે, જે રાજ્યમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે આયોજિત ધારાસભ્ય દળની બેઠકમાં યુમનામ ખેમચંદ સિંહને સર્વાનુમતે નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને સંબિત પાત્રાની હાજરીમાં મળેલી આ બેઠકમાં કુલ 35 ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મણિપુરના ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામ સિંહે આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, રાજ્યને એક લોકપ્રિય અને ચૂંટાયેલી સરકારની ખૂબ જ જરૂર હતી. કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન હેઠળ ખેમચંદ સિંહ રાજ્યની જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાચો : હવે ‘ટ્રેડ ડીલ’ મુદ્દે રાહુલ ગાંધીએ ઊઠાવ્યા સવાલ, કહ્યું પીએમ મોદી પર અમેરિકાનું દબાણ…
ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં મેઇતેઇ અને કુકી સમુદાય વચ્ચે ફાટી નીકળેલી ભયાનક હિંસાને કારણે રાજ્યની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પડતી મુશ્કેલીઓને પગલે તત્કાલીન મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાં બાદ રાજ્યમાં સરકાર પડી ભાંગી હતી અને સુરક્ષાના કારણોસર વહીવટ કેન્દ્રના હસ્તક લઈ લેવામાં આવ્યો હતો.
મણિપુરમાં 13 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રથમવાર છ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું, જેને ત્યારબાદ ઓગસ્ટ 2025માં વધુ છ મહિના માટે લંબાવવામાં આવ્યું હતું. હવે જ્યારે રાજ્યમાં પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે, ત્યારે ભાજપે ફરીથી ચૂંટાયેલી સરકાર બનાવવાની કવાયત તેજ કરી છે. આ મહત્વની રાજકીય પ્રક્રિયામાં પૂર્વ મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સત્યવ્રત સિંહ અને પ્રદેશ પ્રમુખ એ. શારદા દેવી સહિતના અગ્રણી નેતાઓ દિલ્હીમાં હાજર રહ્યા હતા.



