મણિપુરમાં ફરી રચાશે NDA સરકાર? ભાજપ નેતાએ સરકાર રચવાનો દવાઓ કર્યો

ઇમ્ફાલ: છેલ્લા બે વર્ષથી વંશીય હિંસામાં ઘેરાયેલા ઉત્તર પૂર્વ ભારતના રાજ્ય મણિપુરમાં હાલ રાષ્ટ્રપતિ સાશન લાગુ છે. એવામાં અહેવાલ છે કે રાજ્યમાં સરકાર રચવાની ગતિવિધિઓ શરુ થઇ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા રાધેશ્યામ સિંહ આજે અન્ય 9 વિધાનસભ્યો સાથે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા હતાં.
ભાજપના નેતા એન બિરેન સિંહે આ વર્ષે ફેબ્રુઆરીમાં મણિપુરના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.
આપણ વાંચો: મણિપુરમાં ભાજપ ફરી સરકાર રચવાની તૈયારી! પૂર્વોત્તર પ્રભારી બે ધારાસભ્યને મળ્યા
પત્રકારો સથે વાત કરતા રાધેશ્યામ સિંહે કહ્યું, “44 વિધાનસભ્યો લોકોની ઇચ્છા મુજબ સરકાર બનાવવા માટે તૈયાર છે. અમે રાજ્યપાલને જાણ કરી છે. મુદ્દાઓના શું સમાધાન હોઈ શકે છે એની પણ અમે તેની ચર્ચા કરી છે. રાજ્યપાલે અમારી વાત ધ્યાનમાં લીધી છે અને લોકોના હિતમાં કાર્યવાહી શરૂ કરશે. “
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, ત્યારે તેમણે કહ્યું કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ તેનો નિર્ણય લેશે.
તેમણે કહ્યું, “અમે તૈયાર છીએ એમ કહેવું એ સરકાર બનાવવાનો દાવો કરવા જેવું છે. વિધાનસભા અધ્યક્ષ સત્યવ્રતે વ્યક્તિગત અને એક સાથે આ 44 વિધાનભ્યોને સાથે વાત કરી હતી. એમાંથી કોઈએ નવી સરકારની રચનાનો વિરોધ કર્યો નથી. લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કાર્યકાળમાં કોવિડને કારણે બે વર્ષ વેડફાયા હતા અને આ કાર્યકાળમાં સંઘર્ષને કારણે બે વર્ષ વેડફાયા છે.”