મણિપુરમાં સ્થિતિ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી કથળી રહી છે. બુધવારે હિંસક ટોળાએ મુખ્ય પ્રધાન એન બિરેન સિંહના કાર્યલય નજીક પોલીસના મણિપુર રાઇફલ્સ સંકુલને ઘેરી લીધું હતું અને હથીયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે હવામાં ગોળીબાર કર્યો હતો અને ભીડને વિખેરી હતી.
અહેવાલો અનુસાર, બુધવારના રોજ રાજધાની ઇમ્ફાલમાં એક ટોળાએ મણિપુર રાઇફલ્સ સંકુલને ઘેરી લીધું હતું અને હથિયારોની માંગ કરી હતી. ટોળાએ આક્ષેપ કર્યો હતો કે વરિષ્ઠ પોલીસ અધિકારી ચૌધરી આનંદની હત્યા બાદ રાજ્ય સરકાર નિષ્ક્રિય બની બેઠી છે. જે ટોળામાં સામેલ લોકોનું કહેવું હતું કે જો તેમને દારૂગોળો આપવામાં આવશે તો તેઓ હુમલાખોરો સામે બદલો લેશે. કેટલાક લોકો શસ્ત્રાગાર સુધી પણ પહોંચી ગયા હતા, પરંતુ ત્યારબાદ પોલીસે હવામાં ગોળીબાર શરૂ કર્યો હતો અને ભીડને વિખેરવામાં આવી હતી, ત્યારબાદ લોકો વિખેરાઈ ગયા હતા.
અહેવાલો અનુસાર સ્થાનિક યુવા સંગઠન આરમબાઈ ટેન્ગોલની આગેવાની હેઠળના ટોળાએ પોલીસ સ્ટેશનનનો ઘેરાવ કર્યો હતો. સરહદી શહેર મોરેહમાં બળવાખોર દ્વારા વરિષ્ઠ પોલીસ અધિકારીની હત્યા થયા બાદ રાજ્યમાં હુમલાખોરો સામે રોષનો માહોલ છે.
મુખ્ય પ્રધાન આવાસ નજીકના પોલીસ સ્ટેશન પર ટોળાના હુમલા બાદ રાજ્ય સરકારે સાવચેતી દાખવતા કર્ફ્યુમાં આપવામાં આવેલી છૂટછાટ પાછી ખેંચી લીધી હતી. એક સત્તાવાર આદેશ અનુસાર, મણિપુર સરકારે વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ટાંકીને તાત્કાલિક અસરથી ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાં સવારે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દૈનિક કર્ફ્યુમાં છૂટછાટ આપી હતી એ પાછી ખેંચી લેવામાં આવી છે.
કુકી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશ નામના આદિવાસી વિદ્યાર્થી સંગઠને તેંગનોપલ જિલ્લાના મોરેહ શહેરમાં વધારાના પોલીસ કમાન્ડોની તૈનાતીના વિરોધમાં બુધવારે મધ્યરાત્રિથી 48 કલાકના બંધનું એલાન કર્યું હતું. વિદ્યાર્થી સંગઠના જણાવ્યા મુજબ પોલીસ અધિકારીની હત્યા બાદ પોલીસ કમાન્ડો શહેરના રહેવાસીઓ પર ટોર્ચર કરી રહ્યા છે. કુકી-ઝો સમુદાયના અન્ય સંગઠન, ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે પણ આવા જ આક્ષેપો કર્યા હતા.