મણિપુરમાં સરકારની જાણ બહાર જ બની ગયો છ જિલ્લાઓને જોડતો ‘રિંગ રોડ’!

ઇમ્ફાલ: જાતિગત હિંસાની આગથી બળેલા મણિપુરમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેણે રાજ્ય સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. આ રિંગ રોડને કથિત રીતે રાજ્ય સરકારની પૂર્વમંજુરી વિના જ બનાવી દેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારની મંજૂરી વગર છ જિલ્લાઓમાંથી પસાર થતો એક ‘રિંગ રોડ’ બનાવવામાં આવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ આ ગેરકાયદેસર રોડના નિર્માણ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. ખાસ વાત એ છે કે, સ્થાનિક સ્તરે આ રોડના કેટલાક હિસ્સાને ‘જર્મન રોડ’ અથવા ‘ટાઈગર રોડ’ તરીકે ઓળખવામાં આવે છે, જે કુકી ઉગ્રવાદીઓના ઉપનામો પરથી રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
મીડિયા અહેવાલો અનુસાર, આ ગંભીર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કોલકાતા સ્થિત NGTની બેંચે ૨૩ ડિસેમ્બરે મણિપુર સરકારને નિર્દેશ આપ્યો કે આ રોડનું કામ તાત્કાલિક બંધ કરવામાં આવે. NGT એ મણિપુરના મુખ્ય સચિવને આદેશ આપ્યો છે કે તેઓ અસરગ્રસ્ત છ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ અધિક્ષકોને આ આદેશનું કડક પાલન કરાવવા સૂચના આપે. ઉલ્લેખનીય છે કે, આ ગેરકાયદેસર રોડ ઈમ્ફાલમાં એશિયન ડેવલપમેન્ટ બેંકની મદદથી બની રહેલા સત્તાવાર રિંગ રોડથી સંપૂર્ણપણે અલગ છે.
આ સમગ્ર વિવાદ મણિપુરના મૈતેઈ સમુદાયના સંગઠન COCOMI દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ સામે આવ્યો છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચુરાચાંદપુર, કાંગપોકપી, નોની અને ઉખરુલ જેવા સંવેદનશીલ પહાડી અને વન વિસ્તારોમાં કોઈપણ પર્યાવરણીય મંજૂરી કે સુરક્ષા આકલન વગર આ રોડનું નિર્માણ થઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં એક સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં ‘ટાઈગર રોડ’ નામના ગેટનું ઉદ્ઘાટન થતું પણ જોવા મળ્યું હતું, જે આ પ્રવૃત્તિમાં સ્થાનિક નેતાઓની સંડોવણી તરફ ઈશારો કરે છે.
આ રોડ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી માનવામાં આવી રહ્યો છે. અરજીકર્તાના જણાવ્યા અનુસાર, મણિપુર સંકટ દરમિયાન આ રોડનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. એવી આશંકા છે કે આ ગુપ્ત રસ્તાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી, હથિયારો અને દારૂગોળાની તસ્કરી તેમજ ગેરકાયદેસર પ્રવાસીઓની અવરજવર માટે કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓમાં પણ આ બાબતે ભારે રોષ છે કે ઉગ્રવાદીઓના નામ પર રસ્તાઓ બની રહ્યા છે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી.
આ પણ વાંચો…મણિપુરમાં આવશે રાષ્ટ્રપતિ શાસનનો અંત? ભાજપના MLAને દિલ્હી બોલાવતા વહેતી થઈ અટકળો



