નવી દિલ્હીઃ સતત હિંસા અને અમાનવીય ઘટનાઓથી ચર્ચામાં આવતા મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહના અચાનક રાજીનામા બાદ હવે ભાજપ આ રાજ્યની જવાબદારી કોના પર નાખશે તે ચર્ચાનો વિષય બની ગયો છે. જોકે ભાજપે હાલમાં તો બીરેન સિંહને જ જવાબદારી સંભાળવા કહ્યું છે, પરંતુ નજીકના સમયમાં પક્ષે કોઈ નવા ચહેરાને મુખ્ય પ્રધાનપદ પર નિયુક્ત કરવાનો રહેશે.
સિંહે અચાનક દિલ્હીની મુલાકાત લીધી. આલાકમાન સાથે વાતચીત કર્યા બાદ તેઓ મણિપુર પરત ફર્યા અને થોડા જ કલાકોમાં તેમના રાજીનામાની ખબરો આવવા લાગી. સ્વાભાવિક છે કે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીએ તેમના રાજીનામા સાથે નવા નામ અંગે પણ વિતાર કર્યો જ હશે. જોકે અમુક સૂત્ર એમ પણ કહે છે કે ભાજપે નવા નામ અંગે વિચારવા સમય મળી રહે તે માટે સિંહને હાલપૂરતા પદ પર રહેવા જણાવ્યું છે.
લગભગ ત્રણેક વર્ષથી સળગતા મણિપુરમાં ભાજપના જ વિધાનસભ્યો સિંહથી નારાજ હોવાનું અને તેમને પદ પરથી હટાવવાની માગણી કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : …તો મણિપુર તૂટી જશેઃ મણિપુરના મુખ્ય પ્રધાને ભાજપ માટે આપ્યું મોટું નિવેદન…
ક્યા નામ પર લાગશે મહોર
મણિપુર મેતૈઈ અને કુકી સમાજ વચ્ચેની હિંસાથી સતત સળગી રહ્યું છે. ક્યારે કાય વિસ્તારમાં કરફ્યુ લાગી જાય તે ખબર રહેતી નથી. મહિલા પર થતા અત્યાચારને કારણે વિશ્વમાં પણ મણિપુરની હિંસા અને સ્થિતિની ચર્ચા થઈ છે. સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં રાજ્યની આર્થિક હાલત ખાસ કઈ સારી નહીં હોય. રાજકીય રીતે ભાજપની સતત ટીકા થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુનિયા ફરે છે, પણ મણિપુર નથી આવતા તેવી ટીકા થાય છે. હવે અહીં એવા મજબૂત નેતાને કમાન સોંપવી પડે જે આ સમુદાયોના ગણિતમાં ફીટ બેસે અને માહોલ શાંત રાખી શકે. જો હાલમાં અટકળોનું માનીએ તો ત્રણ ચાર નામ ચર્ચામાં છે. રાજ્યના બે કેબિનેટ પ્રધાન યુમનામ ખેમચંદ સિંહ, ટી વિશ્વજીત સિંહ અને સ્પીકર ટી સત્યબ્રત સિંહના નામ તો બોલાય જ છે, પરંતુ એક નવું નામ બહાર આવ્યું છે અને તે છે ભાજપના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રા. પાત્રા અહીં તંબુ તાણીને બેસી ગયા હોવાનું જાણવા મળ્યું છે. બોલવામાં તેજતર્રાર પાત્રા હાલમાં મણિપુરના કેપ્ટન બનશે કે કેમ તે આવનારા સમયમાં ખબર પડશે