મણિપુરમાં આસામ રાઇફલ્સના જવાનો પર હુમલો: બે જવાનો શહીદ, પાંચ ઘાયલ, રાજ્યપાલે કડક કાર્યવાહીનો આપ્યો આદેશ

ઇમ્ફાલ: નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં અવારનવાર નક્સવાદીઓ દ્વારા હુમલાઓ થતા રહે છે. આજે મણિપુરમાં ફરી એકવાર સૈન્યને નિશાન બનાવવામાં આવ્યું છે. સાંજે બિષ્ણુપુર જિલ્લામાં સશસ્ત્ર હુમલાખોરોના એક જૂથે આસામ રાઇફલ્સના વાહન પર હુમલો કર્યો. આ હુમલામાં આસામ રાઇફલ્સના બે સૈનિકો શહીદ થયા અને પાંચ અન્ય ઘાયલ થયા છે.
સફેદ વાનમાં આવ્યા હતા હુમલાખોરો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના બિષ્ણુપુર જિલ્લાના નંબોલ સબલ લીકાઈ વિસ્તારમાં સાંજે લગભગ 6 વાગ્યે બની હતી. આસામ રાઇફલ્સના જવાનો ઇમ્ફાલથી બિષ્ણુપુર જિલ્લામાં જઈ રહ્યા હતા ત્યારે તેમના વાહન પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત બે સૈનિકો શહીદ થયા.
ગુવાહાટી સ્થિત સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, 19 સપ્ટેમ્બર, 2025ના રોજ, 33 આસામ રાઇફલ્સના જવાનોની એક ટુકડી પર આ હુમલો થયો હતો. ઘાયલ સૈનિકોને RIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે. અત્યાર સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
આ પણ વાંચો: મણિપુરમાં સુરક્ષા દળોનુ સંયુક્ત ઓપરેશન: 203 હથિયાર, IED અને ગ્રેનેડ સહિતનો ગેરકાયદે જથ્થો જપ્ત
એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે આ હુમલાનું સ્થળ એક વ્યસ્ત રસ્તો હતો. હુમલા બાદ હુમલાખોરો સફેદ વાનમાં ભાગી ગયા હતા. સૈનિકોએ નાગરિકોને નુકસાન ન થાય તે માટે સંયમ જાળવ્યો અને પછી જવાબી કાર્યવાહી કરી હતી. આ ઘટના બાદ આતંકવાદીઓને પકડવા માટે મોટા પાયે શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
મણિપુરના રાજ્યપાલે કડક કાર્યવાહીનો આપ્યો આદેશ
ઉલ્લેખનીય છે કે, મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ શહીદ સૈનિકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને રાષ્ટ્રની રક્ષામાં તેમની અતૂટ હિંમત અને સમર્પણને સલામ કરી હતી. તેમણે આ ઘટનામાં ઘાયલ થયેલા સૈનિકો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી હતી. રાજ્યપાલે જણાવ્યું હતું કે, “હિંસાના આવા જઘન્ય કૃત્યો કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.”



