નેશનલ

સુપ્રીમ કોર્ટે માણિકરાવ કોકાટેને આપી મોટી રાહતઃ ધારાસભ્યપદ રહેશે સુરક્ષિત, સજા પર સ્ટે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન અને પાંચ વખતના ધારાસભ્ય રહેલા માણિકરાવ કોકાટેને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. છેતરપિંડીના કેસમાં નીચલી અદાલતે આપેલી સજા પર સ્ટે મૂકતી વખતે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી કે આ નિર્ણયથી કોકાટેની વિધાનસભા સભ્યપદ પર કોઈ અસર નહીં થાય. આનો અર્થ એ થયો કે તેઓ ધારાસભ્ય રહેશે અને ગેરલાયક ઠરશે નહીં.

જોકે, સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ રાહતનો અર્થ એ નથી કે કોકાટે કોઈપણ ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ પદ જાળવી રાખી શકે છે. આનો અર્થ એ છે કે તેઓ હાલ પૂરતા પ્રધાનપદ કે અન્ય કોઈ સરકારી લાભનો હોદ્દો સંભાળી શકશે નહીં.

આપણ વાચો: છેતરપિંડી કેસમાં NCP નેતા માણિકરાવ કોકાટેને હાઈ કોર્ટમાંથી રાહતઃ જામીન મંજૂર

આ સુનાવણી જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેન્ચ સમક્ષ થઈ હતી. કોર્ટે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ દોષસિધ્ધિમાં “મૌલિક ત્રુટિ” હોવાનું જણાય છે. સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે “આવકની જાહેરાત ન કરવાથી દસ્તાવેજ બનાવટી સાબિત થતો નથી.

માણિકરાવ કોકાટે વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે કથિત ગુનો 1989નો છે. તે સમયે, કોકાટે ન તો ધારાસભ્ય હતા કે ન તો કોઈ બંધારણીય પદ ધરાવતા હતા, પરંતુ તેઓ વકીલ તરીકે કામ કરતા હતા. રોહતગીએ કોર્ટમાં પ્રશ્ન કર્યો કે , “શું 1989 માં વકીલ 30,000 રૂપિયા કમાઈ શકતો નહોતો?”

આના પર ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એ નોટિસ જારી કરીને કહ્યું કે,અરજદારની સજા હાલ પૂરતી સ્થગિત રહેશે જેના લીધે તેમનું વિધાનસભાનું સભ્યપદ સમાપ્ત નહીં થાય. જોકે, કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે આ આદેશ તેમને કોઈ પણ નફાકારક પદ પર રહેવાનો અધિકાર આપશે નહીં.

આ કેસમાં ફરિયાદી વતી વરિષ્ઠ વકીલ મનીન્દર સિંહે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે તેમની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી છે. આના પર રોહતગીએ વળતો જવાબ આપ્યો કે ફરિયાદી રાજકીય હરીફ છે અને તેમને વાંધો ઉઠાવવાનો કોઈ અધિકાર નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button