ભાજપની મેનિફેસ્ટો કમિટી જાહેર, રાજનાથ સિંહની અધ્યક્ષતામાં 27 સભ્યો તૈયાર કરશે સંકલ્પ પત્ર

લોકસભા ચૂંટણી 2024ના પગલે ભાજપ હવે એક્શન મોડમાં આવી ગઈ છે, પાર્ટીના સૌથી મોટા નેતા પીએમ મોદી 31 માર્ચથી પાર્ટીના ચૂંટણી પ્રચારનો શુભારંભ કરવાના છે, આ સ્થિતીમાં ભાજપે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી દીધી છે, આ કમિટીના અધ્યક્ષ સંરક્ષણ મંત્રી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહને બનાવવામાં આવ્યા છે, જ્યારે તેના સંયોજક તરીકે નાણામંત્રી નિર્મલા સિતારમણની પસંદગી થઈ છે.
ઉલ્લેખનિય છે કે ભાજપની મેનિફેસ્ટો કમિટીમાં કુલ 27 સભ્યો છે, પીએમ મોદીએ આ વખતે 400થી વધુ સીટો જીતવા માટેનું લક્ષ્ય રાખ્યું છે. આ કારણે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવે છે કે ભાજપ તેના મેનિફેસ્ટો તૈયાર કરવા માટે ખૂબ જ સતર્ક બની છે. ભાજપ અનેક લોકસુભાવન વાયદા કરી શકે છે.
આપણ વાંચો: ભારતની સરહદો સંપૂર્ણ સુરક્ષિતઃ રાજનાથ સિંહ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણી 2024 માટે ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના કરી છે. તેની સમિતિની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહને સોંપવામાં આવી છે, તેમની સાથે નિર્મલા સીતારમણને સંયોજક અને પીયૂષ ગોયલને સહ-સંયોજક બનાવવામાં આવ્યા છે. આ સિવાય અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, અર્જુનરામ મેઘવાલ, વસુંધરા રાજે, સ્મૃતિ ઈરાની સહિત પાર્ટીના 24 નેતાઓને આ સમિતિમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
મેનિફેસ્ટો કમિટીમાં મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાયને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાથી લઈને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે સિંધિયા, રવિશંકર પ્રસાદ, કેશવ પ્રસાદ મૌર્ય, વિનોદ તાવડે, ઓપી ધનખડ, અનિલ એન્ટોની, તારિક મંસૂર જેવા નામોનો પણ સમાવેશ થાય છે.