સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે મેનકા ગાંધીએ વ્યક્ત કર્યું આશ્ચર્યઃ ત્રણ લાખ શ્વાન ક્યાં રાખશો?

સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે મેનકા ગાંધીએ વ્યક્ત કર્યું આશ્ચર્યઃ ત્રણ લાખ શ્વાન ક્યાં રાખશો?

નવી દિલ્હી: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે શેરી શ્વાનોને ડોગ શેલ્ટરમાં રાખવાનો આદેશ આપ્યો છે, જેના પર એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ અને પૂર્વ સાંસદ મેનકા ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ આદેશને “નામમુકિન” ગણાવતા કહ્યું છે કે દિલ્હીમાં એક પણ શેલ્ટર નથી, તો લાખો શ્વાનોને ક્યાં રાખવામાં આવશે?

તેમના મતે, આ એક રાજાશાહી ફરમાન જેવો નિર્ણય છે, જેની અમલવારી કરવી વ્યવહારિક રીતે અશક્ય છે. મેનકા ગાંધીએ આ અંગેની વાસ્તવિકતાઓ જણાવીને અનેક સવાલો ઉભા કર્યા છે.

દિલ્હીમાં ૩ લાખ શ્વાનો, ૩ હજાર એકર જમીન ક્યાંથી લાવશો?
મેનકા ગાંધીએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે દિલ્હીમાં લગભગ ૩ લાખ જેટલા શેરી શ્વાનો છે. તેમને રાખવા માટે પહેલા તો શેલ્ટર બનાવવા પડશે, જેને ‘પાઉન્ડ’ પણ કહેવાય છે. તેમણે કહ્યું કે જો 200 શ્વાનો માટે એક પાઉન્ડ બનાવવામાં આવે, તો આવા ૩ હજાર પાઉન્ડની જરૂર પડશે.

આ પાઉન્ડ બનાવવા માટે ઓછામાં ઓછી ૩ હજાર એકર જમીન જોઈએ, અને તે પણ એવી જગ્યાએ જ્યાં કોઈ રહેતું ન હોય, કારણ કે રહેણાંક વિસ્તારમાં આવા પાઉન્ડ બનાવી શકાય નહીં. મેનકા ગાંધીના મતે, દિલ્હીમાં આટલી વિશાળ અને નિર્જન જગ્યા શોધવી અશક્ય છે.

શું સરકાર તૈયાર છે?
મેનકા ગાંધીએ આ યોજનાના ખર્ચ વિશે પણ સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે જો એક પાઉન્ડ બનાવવામાં 4-5 કરોડ રૂપિયાનો ખર્ચ થાય, તો 3 હજાર પાઉન્ડ બનાવવા માટે કેટલો ખર્ચ થશે તે વિચારવું જોઈએ. આ ઉપરાંત, શ્વાનોની સંભાળ, ખોરાક અને સફાઈ પાછળ પણ મોટો ખર્ચ થશે.

200 શ્વાનોની સફાઈ માટે મોટી સંખ્યામાં સફાઈકર્મીઓ અને તેમની દેખરેખ માટે ચોકીદાર રાખવા પડશે. મેનકા ગાંધીએ સવાલ કર્યો કે શું સરકાર દર અઠવાડિયે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા માટે તૈયાર છે?

મેનકા ગાંધીએ શ્વાનોના અસ્તિત્વનું મહત્વ સમજાવતા કહ્યું કે જો દિલ્હીમાંથી શ્વાનોને પકડી લેવામાં આવશે, તો તેની જગ્યાએ અન્ય પ્રાણીઓનો ત્રાસ વધી જશે. તેણે ઉદાહરણ આપતા કહ્યું કે આજે દિલ્હીમાં વાંદરાઓ શ્વાનોના ડરથી ઝાડ પરથી નીચે ઉતરતા નથી, પરંતુ શ્વાનોને પકડી લેવામાં આવે તો દરેક બગીચામાં વાંદરાઓ ફરતા જોવા મળશે.

તેમણે 1880માં પેરિસમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો, જેમાં શ્વાન અને બિલાડીઓને મારી નાખવામાં આવ્યા હતા, જેના પરિણામે શહેરમાં ઉંદરોનો ત્રાસ એટલો વધી ગયો હતો કે ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું હતું. આખરે, તેમને ફરીથી શ્વાન અને બિલાડીઓને લાવવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો…દેશ હવે જમાઈઓથી આગળ નીકળી ગયો…: મેનકા ગાંધીએ કોના પર તાક્યું નિશાન?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button