નેશનલ

ઇટલીના જવા નીકળેલો મંદીપ રશિયન આર્મીમાં ધકેલાયો: આખરે આવી લાશ, સરકાર પર ઊઠ્યા સવાલ

નવી દિલ્હી: આજે રશિયાથી ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચેલા એક વિમાનમાં પંજાબના જાલંધર જિલ્લાના ગોરાયા ગામના નિવાસી મંદીપ કુમારનો મૃતદેહ આવ્યો છે. રશિયામાં મંદીપનો મૃતદેહ સાવ સડી ગયો હતો.

જે તેના ભાઈ જગદીપના પ્રયાસોથી ભારત લાવવામાં આવ્યો છે. જગદીપનું કહેવું છે કે, મંદીપના મૃતદેહને રશિયાથી ભારત લાવવામાં ભારતીય દૂતાવાસ કે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી નથી. આવો જાણીએ સમગ્ર મામલો શું છે?

મંદીપ સાથે ટ્રાવેલ એજન્ટે કરી છેતરપિંડી

2023માં મંદીપ ઇટલી જવા માટે નીકળ્યો હતો. પરંતુ ટ્રાવેલ એજન્ટે તેને છેતરપિંડી કરીને આર્મેનિયાના રસ્તે રશિયા પહોંચાડી દીધો હતો. 2024માં તેને બળજબરીપૂર્વક રશિયન આર્મીમાં ભરતી કરાવી દેવામાં આવ્યો હતો.

પરિવારજનોના જણાવ્યાનુસાર, રશિયન આર્મીમાં શામેલ થયા બાદ પણ મંદીપ વીડિયો મોકલીને ભારત સરકાર પાસે મદદ માંગતો રહ્યો હતો. વીડિયોમાં એ સ્પષ્ટપણે કહેતો હતો કે, મને છેતરીને યુદ્ધમાં મોકલવામાં આવ્યો છે. હું કોઈપણ રીતે ઘરે પાછો આવવા માંગુ છું.

આપણ વાચો: મોરબીનો મુસ્લિમ યુવક કઈ રીતે રશિયન આર્મીમાં થયો ભરતી? ડ્રગ્સ કેસમાં દોષિત ઠર્યો ને…………

મંદીપનો પરિવાર સાથે તૂટ્યો સંપર્ક

માર્ચ 2024માં મંદીપની તેના પરિવાર સાથે છેલ્લીવાર વાતચીત થઈ હતી. ત્યારબાદ મંદીપનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. જેને લઈને પરિવારની ચિંતામાં વધારો થયો હતો. મંદીપના ભાઈ જગદીપે રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પોતાની વાત પહોંચાડી હતી.

પરંતુ કોઈ મદદ મળી ન હતી. ફેબ્રુઆરી મહિનામાં જગદીપે એઇમ્સમાં પોતાનું ડીએનએ સેમ્પલ પણ મોકલ્યું હતું. જેથી તેના ભાઈની ઓળખાણ થઈ શકે. પરંતુ જગદીપે એવો દાવો કર્યો હતો કે, તે ડીએનએ સેમ્પલને ક્યારેય રશિયા મોકલવામાં આવ્યું નથી.

જગદીપે કરી રશિયામાં તપાસ

આખરે જગદીપે જાતે રશિયા જઈને ભાઈ મંદીપને પાછો લાવવાનું નક્કી કર્યું હતું. તેણે રશિયાની આર્મીના ઓફિસરનો સંપર્ક કર્યો અને માહિતી મેળવી. પોતાનું ડીએનએ સેમ્પલ મોકલીને ભાઈની ઓળખ કરી.

પરંતુ આ સમયે તેના ભાઈનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. રશિયાના ઓફિસરે મંદીપનો જે ફોટો મોકલ્યો હતો, તેમાં તેનો મૃતદેહ સાવ સડેલી હાલતમાં હતો. જગદીપે આ તમામ માહિતી પોતાના પ્રયાસોથી મેળવી હતી. આખરે જગદીપે ભાઈના મૃતદેહને ભારત લાવવા માટે રશિયા જવાનું નક્કી કર્યું હતું.

આપણ વાચો: વડા પ્રધાન મોદીની રાષ્ટ્રપતિ પુતિન સાથે ‘ચાઈ પે ચર્ચા’, રશિયન આર્મીમાં કામ કરતા ભારતીયો સ્વદેશ પરત ફરશે

“સરકારે મદદ ન કરી, સાંસદે ખર્ચ ઉઠાવ્યો”

આખરે આજે મંદીપનો મૃતદેહ ભારત પહોંચ્યો છે. જોકે, મંદીપના માતા-પિતા તેના મૃત્યુની વાતથી અજાણ છે. માતા-પિતા હજુ પણ પોતાના દીકરાના પાછા ફરવાની આશા લઈને બેઠા છે. જગદીપનું કહેવું છે કે, મારામાં હમણા એટલી હિંમત નથી કે હું માતા-પિતાને કહી શકું કે ભાઈ હવે ક્યારેય પાછો આવશે નહીં.

જગદીપે આરોપ લગાવતા મીડિયાને જણાવ્યું હતું કે, રશિયા જવાનો અને સમગ્ર કામગીરીનો ખર્ચ સરકારે નહીં, પરંતુ કૉંગ્રેસના સાંસદ રાજ વડિંગે ઉઠાવ્યો હતો. મારા સંપર્કમાં એવા ઘણા પરિવારો છે, પરંતુ ન તો દૂતાવાસ મદદ કરે છે, ન તો સરકાર. કઈ નહીં તો એટલું તો જણાવી દો કે, તમારું સ્વજન જીવે છે કે મરી ગયું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button