ચૂંટણીમાં રદ થયેલી સજા પણ જાહેર કરવી ફરજિયાત, નહીંતર રાજકીય કારકિર્દી સમાપ્ત” સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

નવી દિલ્હી: ભારતમાં ચૂંટણી લડતા ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ ખૂબ જ વિવાદનું કેન્દ્ર બની રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડતા ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને એ.એસ. ચંદૂરકરની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે દરેક ઉમેદવારે તેમના નોમિનેશન ફોર્મમાં તેમની તમામ જૂની દોષસિદ્ધિઓ (convictions) જાહેર કરવી પડશે. પછી ભલે તે ગુનો નાનો હોય, કે પછી ઉપલી અદાલતે તે સજા પાછળથી રદ કરી દીધી હોય.
અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે, “ખુલાસો ન કરવો એ મતદારના હકનું ઉલ્લંઘન છે, જેનાથી મતદાર સાચી પસંદગી કરી શકતો નથી.” જો કોઈ ઉમેદવાર આ માહિતી છુપાવશે, તો તેમનું નામાંકન રદ થઈ શકે છે. કોર્ટે જણાવ્યું કે ગુનાની ગંભીરતા નહીં, પરંતુ સંપૂર્ણ ખુલાસો આવશ્યક છે, કારણ કે મતદારને ઉમેદવારનો સંપૂર્ણ ઇતિહાસ જાણવાનો હક છે.
આ નિયમનો ભંગ કરવા બદલ મધ્ય પ્રદેશના ભીકનગાંવના કોર્પોરેટર પૂનમનું ઉદાહરણ સુપ્રીમ કોર્ટમાં સામે આવ્યું હતું. પૂનમ પર ચેક બાઉન્સ (કલમ 138)નો કેસ હતો, જેમાં ટ્રાયલ કોર્ટે તેમને એક વર્ષની જેલ અને દંડની સજા આપી હતી. જોકે પાછળથી હાઈકોર્ટે સજા રદ કરી હતી, તેમ છતાં પૂનમે નામાંકન પત્રમાં આ દોષસિદ્ધિની માહિતી છુપાવી હતી.
તેમણે દલીલ કરી હતી કે સજા સમાપ્ત થઈ ગઈ છે, તેથી જણાવવાની જરૂર નથી. જોકે, સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી અને ચુકાદો આપ્યો કે રદ થયેલી સજા પણ જાહેર કરવી જરૂરી હતી. જસ્ટિસ ચંદૂરકરે લખ્યું કે, “દોષસિદ્ધિ છુપાવવી એ દમન છે, જે મતદારના સ્વતંત્ર અધિકારમાં અવરોધ ઊભો કરે છે.” આ ઉલ્લંઘન બદલ પૂનમનું નામાંકન ખોટું ઠેરવવામાં આવ્યું હતું અને તેમની ચૂંટણી રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…રૂ.100ની પાણીની બોટલ, રૂ.700ની કોફી? મલ્ટિપ્લેક્સમાં મનસ્વી ભાવ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ



