દસ્તાવેજોમાં ‘માતા’નું નામ ફરજિયાત: દિલ્હી અને મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય

નવી દિલ્હી: સરકારી દસ્તાવેજો ઉપર માતાનું નામ ફરજિયાત સામેલ કરવાનો આદેશ હાઇ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરોમાં હવેથી સરકારી દસ્તાવેજો ઉપર વ્યક્તિના નામની સાથે ફક્ત પિતા નહીં, પરંતુ માતાનું નામ પણ સામેલ કરવામાં આવશે.
દિલ્હી હાઇ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ આદેશનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવેથી વિદ્યાર્થીઓએ પોતાના સત્તાવાર દસ્તાવેજો ઉપર પિતાની સાથે માતાનું નામ પણ ફરજિયાત સામેલ કરવું પડશે.
મહારાષ્ટ્ર સરકારે પણ પોતાની કેબિનેટ બેઠકમાં સત્તાવાર દસ્તાવેજો જેમ કે પેન કાર્ડ, આધાર કાર્ડ, માર્ક-શીટ, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ અને ડિગ્રી-સર્ટિફિકેટ વગરેમાં માતાનું નામ સામેલ કરવાનું અનિવાર્ય બનાવ્યું છે.
પહેલી મેથી મહારાષ્ટ્રમાં વ્યક્તિના નામ બાદ પહેલા માતાનું નામ પછી પિતાનું નામ અને પછી અટક આ રીત અપનાવવાની શરૂ કરવાનો નિયમ તૈયાર કરવામાં આવ્યો છે.
2014 બાદ પહેલી મે, 2014 બાદ જન્મેલા બાળકો માટે આ નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે, જ્યારે વિવાહિત મહિલાઓ માટે પોતાનું નામ, પતિનું નામ અને પછી અટક આ રીતે ચાલુ રાખવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ અંગેની સૂચના પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(પહેલા ટ્વિટર) ઉપર મૂકી હતી.