કાવેરીના પાણીનો નિર્ધારિત જથ્થો આપવા કર્ણાટકને આદેશ
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે કાવેરી વૉટર મેનેજમેન્ટ ઑથૉરિટીના અગાઉના આદેશમાં દખલગીરી કરવાનો ગુરુવારે ઇનકાર કર્યો હતો અને કર્ણાટકને આગામી પંદર દિવસ દરરોજ સેકંડ દીઠ ૫,૦૦૦ ઘન ફૂટ પાણી તમિળનાડુને પૂરું પાડવા આદેશ આપ્યો હતો.
અગાઉ, કાવેરી વૉટર રેગ્યુલેશન કમિટીના ૧૨ સપ્ટેમ્બરના આદેશને કાવેરી વૉટર મેનેજમેન્ટ ઑથૉરિટીએ બહાલી આપી હતી. ન્યાયાધીશ બી. આર. ગવઇ, ન્યાયાધીશ પી. એસ. નરસિંહ અને ન્યાયાધીશ પ્રશાંતકુમાર મિશ્રાની બનેલી બૅન્ચે જણાવ્યું હતું કે અમે કાવેરી વૉટર મેનેજમેન્ટ ઑથૉરિટીના નિર્ણયને પડકારતી તમિળનાડુની અરજીમાં દખલગીરી કરવા નથી માગતા.
તમિળનાડુએ પોતાને ત્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવાની રજૂઆત કરીને કાવેરી વૉટર મેનેજમેન્ટ ઑથૉરિટીના સંબંધિત ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. સર્વોચ્ચ અદાલતની બૅન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે કાવેરી વૉટર મેનેજમેન્ટ ઑથૉરિટી અને કાવેરી વૉટર રેગ્યુલેશન કમિટીમાં હવામાન ખાતાના, કૃષિ વિભાગના અને જળસ્રોત નિયમનના અધિકારીઓ છે અને તેઓએ બધા પાસાંને ધ્યાનમાં રાખીને જ સંબંધિત નિર્ણય લીધો હશે અને તેથી અમને તેમાં દખલગીરી કરવાની જરૂર નથી જણાતી.
કાવેરીને લગતી બન્ને સમિતિ દર પંદર દિવસે મળીને બન્ને રાજ્યમાંની પાણી પુરવઠાની પરિસ્થિતિની આકારણી કરે છે.
કાવેરી નદીનું પાણી કર્ણાટકમાંથી વહીને તમિળનાડુ જાય છે અને ત્યાંથી આગળ પુડુચેરી પહોંચે છે. (એજન્સી)ઉ