ગૌતમ ગંભીરને ધમકી આપવા બદલ ગુજરાતીની ધરપકડ, જાણો વિગત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભાજપના પૂર્વ સાંસદ ગૌતમ ગંભીરે પહેલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી. જે બાદ તેને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી.ગંભીરને ધમકી આપનારા વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી.
શું છે મામલો
22 એપ્રિલે ગંભીરને આઈએસઆઈએસ કાશ્મીરથી જાનથી મારવાની ધમકી મળી હતી. તેને બે ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા. એક ઈમેલ બપોરે આવ્યો હતો અને બીજો સાંજે આવ્યો હતો. બંનેમાં આઈ કિલ યુ લખેલું હતું.
દિલ્હી પોલીસે શું કહ્યું
દિલ્હી પોલીસે જણાવ્યું કે, ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ધમકી ભર્યો ઈમેલ મોકલનારા વ્યક્તિની ઓળખ ગુજરાતના રહેવાસી જિગ્નેશસિંહ પરમાર (ઉ.વ.21) તરીકે થઈ છે. તેને સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસ ટીમે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. તેના પરિવારજનોએ તે મેન્ટલ હેલ્થથી પીડાતો હોવાનું કહ્યું છે.
ગૌતમ ગંભીરે તેને ધમકી મળ્યા બાદ ડીસીપીને લેખિત ફરિયાદ કરી હતી. આ પછી તેના ઘરની સુરક્ષા વધારવામાં આવી હતી. આ પછી તેને ત્રીજો ઈમેલ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, તારી દિલ્હી પોલીસ અને આઈપીએસ શ્વેતા તિવારી કંઈ નહીં કરી શકે. અમારા જાસૂસ દિલ્હી પોલીસમાં પણ છે. અમને તારા અંગે તમામ માહિતી મળે છે.
અગાઉ પણ ગંભીરને મળી હતી ધમકી
આ પહેલા પણ ગૌતમ ગંભીરને ધમકી મળી હતી. નવેમ્બર 2021માં સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન આ પ્રકારનો ઈમેલ આવ્યો હતો.
આ પણ વાંચો…ભારતની ટેસ્ટ ટીમ આ `ભારતીય ટીમ’ સામે રમશે મૅચ, બન્નેનો કોચ ગૌતમ ગંભીર!