Sandeshkhali મામલે ભાજપથી ઘેરાયેલા મમતા વિફર્યા, આપ્યો આવો જવાબ
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલી (sandeshkhali)માં મહિલાઓ પર કથિત અત્યાચારના આરોપોને લઈને ભાજપે વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો. આ પછી વિપક્ષના ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી આ મામલો ભારે ઉગ્ર બન્યો છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી (Mamta Benarji) વિફર્યા હતા અને તેમણે ગૃહમાં કહ્યું હતું કે તેઓ ક્યારેય કોઈને અન્યાય કરતા નથી.
બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું કે રાજ્ય મહિલા આયોગના સભ્યોને સંદેશખાલી મોકલવામાં આવ્યા છે. પોલીસ ટીમ બનાવવામાં આવી છે અને 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમે સંદેશખાલીની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, ગેરરીતિમાં સામેલ કોઈપણને બક્ષવામાં આવશે નહીં.
નોંધનીય છે કે સંદેશખાલીમાં ટીએમસીના કેટલાક નેતાઓ પર સ્થાનિક લોકો દ્વારા અત્યાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે બેનર્જીએ વિધાનસભામાં કહ્યું કે તેમણે ક્યારેય કોઈની સાથે અન્યાય થવા દીધો નથી અને ભવિષ્યમાં પણ થવા દેશે નહીં.
મમતાએ કહ્યું કે રાજ્ય સરકારે પરિસ્થિતિને સંભાળવા માટે તમામ સંભવિત પગલાં લીધા છે. ઘણી મહિલાઓએ ટીએમસી નેતા શાહજહાં શેખ (Shahjahan Shekh) અને તેના નજીકના લોકોની ધરપકડની માંગ કરી છે. શાહજહાં પર મહિલાઓ સાથે બળજબરી અને યૌન ઉત્પીડનનો આરોપ છે. આ મામલે ગઈકાલે ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.