ચૂંટણી પહેલા સંદેશખાલીમાં CBI અને NSG એક્શનમાં, મમતા સરકારે તપાસને સુપ્રીમ કોર્ટમાં પડકારી
પશ્ચિમ બંગાળનો સંદેશખાલી વિસ્તારમાં ફરી એક વખત ચર્ચામાં આવી ગયો છે, લોકસભા ચૂંટણીના સમયે જ સીબીઆઈએ શક્રવારથી તપાસ શરૂ કરતા રેડ પાડી હતી. જેમાં ટીએમસીના એક કથિત નેતાના સંબંધીના ઘરેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. ત્યાર બાદ એનએસજીની બોમ્બ સ્કવોડ પણ પહોંચી ગઈ છે. જો કે આ ઘટનાક્રમ વચ્ચે પશ્ચિમ બંગાળની મમતા સરકાર સીબીઆઈની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે.
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં જમીન હડપ અને જાતીય સતામણી કેસમાં CBI તપાસના આદેશ સામે પશ્ચિમ બંગાળ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. મમતા સરકારે કોલકાત્તા હાઈકોર્ટના તે ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો છે, જેમાં સીબીઆઈની રેડને મંજુરી આપવામાં આવી છે, સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ બીઆર ગવઈની બેન્ચ આ અરજી પર 29 એપ્રીલના રોજ સુનાવણી કરશે. સંદેશખાલીમાં જમીન પચાવી પાડવા અને જાતીય સતામણીના કેસમાં હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.
સીબીઆઈની 10 સભ્યોની ટીમે ગયા અઠવાડિયે સંદેશખાલીની મુલાકાત લીધી હતી જેથી મહિલાઓ પર અત્યાચાર અને જમીન હડપ કરવાના કેસોની તપાસ કરવામાં આવે. આ સમય દરમિયાન, ટીમે પીડિત પરિવારો અને મહિલાઓ સાથે વાત કરી અને તેમના નિવેદનો નોંધ્યા. આ સાથે CBIની એક ટીમ પણ સંદેશખાલી પોલીસ સ્ટેશન પહોંચી, જ્યાં હાજર પોલીસકર્મીઓ પાસેથી તપાસ રિપોર્ટ માંગવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈ અધિકારીઓ કેન્દ્રીય સુરક્ષા દળો સાથે સર્ચ ઓપરેશન શરૂ કરવા માટે સંદેશખાલી બ્લોકના સરબેરિયા વિસ્તારમાં પહોંચ્યા હતા. સીબીઆઈને નક્કર માહિતી મળી હતી. તેના આધારે અધિકારીઓએ ઉક્ત મકાન પર દરોડો પાડ્યો હતો. આ ઘર સ્થાનિક પંચાયત સભ્ય હફીઝુલ ખાનના સંબંધી અબુ તાલેબનું છે.
અબુલ તાલેબ ટોટો રિક્ષાચાલક છે અને તે હાફિઝુલ એસકે શજહાંનો નજીકનો સહયોગી માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘરની અંદર ઘણા બોમ્બ રાખવામાં આવ્યા હતા. સીબીઆઈએ ઓપરેશનને સરળ બનાવવા માટે બોમ્બ સ્કેનિંગ ઉપકરણ પણ લગાવ્યું હતું. કેન્દ્રીય સુરક્ષા દળોએ આ મિશનમાં 10 સભ્યોની સીબીઆઈ ટીમને મદદ કરી હતી.
ટીએમસીએ આ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે સંદેશખાલીના મુદ્દાને હેડલાઇન્સમાં રાખવા માટે સુનિયોજિત કાવતરાના ભાગરૂપે, દિલ્હીમાં નાટકીય ગતિવિધિઓ કરીને મતદાનને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પૂર્વ આયોજિત નાટક ભજવવામાં આવી રહ્યું છે. આ સમાચાર ફેલાતા જ ચર્ચાનું બજાર ગરમ થઈ ગયું છે. પોલીસે વધુ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.