શાહજહાં શેખની કસ્ટડી મુદ્દે પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર આમને-સામને, મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો ફટકો

કોલકાતાઃ શાહજહાં શેખની કસ્ટડી મુદ્દે સુપ્રીમ કોર્ટમાંથી પશ્ચિમ બંગાળ સરકારને તાત્કાલિક કોઈ રાહત મળી નથી. સંદેશખાલી કેસમાં સીબીઆઈ તપાસના હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર વહેલી સુનાવણીની અપીલ પર સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસના આદેશની રાહ જોવાનું કહ્યું છે.
સંદેશખાલીના ડોન ગણાતા શાહજહાં શેખની કસ્ટડી સીબીઆયને સોંપવાના મુદ્દે પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર આમને-સામને આવી ગઇ છે. હાઈકોર્ટે તેની ધરપકડ પર કોઈ સ્ટે ન હોવાનું સ્પષ્ટ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા 55 દિવસથી છુપાતા ફરતા શેખ શાહજહાંની તુરંત ધરપકડ કરવામાં આવી હતી. હાઇ કોર્ટે શાહજહાં શેખની સીબીઆઇ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, શાહજહાં શેખની કસ્ટડી લેવા ગયેલી સીબીઆઇએ ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. રાજ્ય સરકારે શાહજહાં શેખની સીબીઆઇ દ્વારા તપાસ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને આ કેસની તાત્કાલિક સુનાવણીની માગણી કરી હતી. રાજ્ય સરકારનું કહેવું છે કે હાઈકોર્ટનો આદેશ વિકૃત, ગેરકાયદેસર અને મનસ્વી છે અને તેને ફગાવી દેવો જોઈએ.રાજ્ય સરકાર પર પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં પશ્ચિમ બંગાળ સરકારે દલીલ કરી છે કે હાઈકોર્ટ દ્વારા સાંજના 4.30 વાગ્યા સુધીનો સમય અમારા અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અમારી SIT તપાસ કરી રહી હતી ત્યારે જ હાઇ કોર્ટે કેસ CBIને ટ્રાન્સફર કર્યો. રાજ્ય સરકારે કહ્યું કે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવો ખોટું છે… તે સુપ્રીમ કોર્ટના જૂના આદેશોનું ઉલ્લંઘન છે. રાજ્ય પોલીસે આ મામલે ઝડપ બતાવી છે અને તેની તપાસ હજુ ચાલી રહી છે.
નોંધનીય છે કે 5 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળ રાશન કૌભાંડ કેસમાં અકુંજીપારા સ્થિત શેખના નિવાસસ્થાને દરોડા પાડવા ગયેલા ED અધિકારીઓ પર ગભગ 200 સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. આ અથડામણમાં EDના ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા. પશ્ચિમ બંગાળ પોલીસે આખરે 29 ફેબ્રુઆરીએ 55 દિવસ પછી તેની ધરપકડ કરી હતી. હાઈકોર્ટે તેની ધરપકડ પર કોઈ સ્ટે ન હોવાનું સ્પષ્ટ કર્યા બાદ શેખ શાહજહાંની તુરંત ધરપકડ કરવામાં આવી હતી.
સંદેશખાલી કેસને લઈને પશ્ચિમ બંગાળમાં ભારે હંગામો ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ સીએમ મમતા વિરુદ્ધ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સંદેશખાલીના અસામાજિક તત્વોને મદદ કરે છે. તેમણે કહ્યું કે સીબીઆઈ પોતાની મેળે તમામ ગુનેગારોને પકડી શકશે નહીં. રાજ્ય સરકાર જ આ લોકોને પાળી પોષી રહી છે. પ. બંગાળમાં અસામાજિક તત્વોનું જ રાજ છે. દરમિયાન, ટીએમસી સાંસદ સૌગતા રોયે આ મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું રાજ્ય સરકારને વિશ્વાસ છે કે CID આ કેસને હેન્ડલ કરવામાં સક્ષમ છે. ED, CBIએ શાહજહાનની ધરપકડ કરી ન હતી, રાજ્ય પોલીસે કરી હતી.