નીતિ આયોગમાં મમતા બેનરજીનું ‘અપમાન’ લોકશાહી ધોરણોને અનુરૂપ નથી: સંજય રાઉત

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે એક દિવસ પહેલા નવી દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીનું ‘અપમાન’ લોકશાહી માટે સારું નથી.
રાઉતે જણાવ્યું હતું કે રાજ્યોમાં ઘણા મુદ્દાઓ છે જેને સંબોધિત કરવાની જરૂર છે અને મુખ્ય પ્રધાનના માઇક્રોફોનને મ્યૂટ કરવું લોકશાહી ધોરણોને અનુરૂપ નથી. મમતા બેનરજી શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા અને દાવો કર્યો હતો કે તેમને ભાષણ દરમિયાન અન્યાયી રીતે રોકવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા આ આરોપો નકારી કાઢવામાં આવ્યા હતા અને એવી સ્પષ્ટતા કરી હતી કે તેમનો બોલવાનો સમય પૂરો થઈ ગયો હતો. બેઠકમાં હાજરી આપનાર એકમાત્ર વિપક્ષી નેતા મમતા બેનરજીએ એવો આક્ષેપ કર્યો હતો કે તેમના ભાષણની પાંચ મિનિટ પછી તેમનું માઇક્રોફોન બંધ થઈ ગયું હતું જ્યારે આંધ્ર પ્રદેશ, ગોવા, આસામ અને છત્તીસગઢ સહિતના અન્ય મુખ્ય પ્રધાનોને લાંબા સમય સુધી બોલવાની મંજૂરી આપવામાં આવી હતી.
રાઉતે એકનાથ શિંદેની આગેવાની હેઠળના શાસક ગઠબંધનની ટીકા કરતાં કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા જે નાણાંનું વિતરણ કરવામાં આવે છે તે ભારતના લોકોનાં નાણાં છે. તે વિવિધ ટેક્સ તરીકે એકત્રિત કરવામાં આવે છે. મહારાષ્ટ્રને શું મળ્યું.. અમારા મુખ્ય પ્રધાન ખાલી હાથે પાછા ફર્યા. (પીટીઆઈ)