
નવી દિલ્હી : દેશમા અનેક સ્થળોએ વકફ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવા સમયે પશ્ચિમ બંગાળમા વક્ફ કાયદાને લઈને હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જોકે, આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના મુસ્લિમ સમુદાયને ખાતરી આપી હતી કે તેમની સરકાર તેમની મિલકતોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. મમતાએ ભાજપ પર કટાક્ષ કર્યો અને એકતાની હિમાયત કરી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ બંગાળમાં વક્ફ બિલ લાગુ થવા દેશે નહીં અને તેઓ બંગાળને ધાર્મિક આધાર પર વિભાજીત થવા દેશે નહીં.
આપણે 30 ટકા મુસ્લિમોને સાથે લઇને ચાલવું પડશે
મમતાએ કહ્યું કે, કેટલાક લોકો પૂછે છે કે હું બધા ધર્મોના સ્થળોની મુલાકાત કેમ લઉં છું. મેં કહ્યું હતું કે હું મારા જીવનભર ત્યાં જતી રહીશ. જો તમે મને ગોળી મારી દેશો તો પણ મને એકતાથી અલગ નહિ કરી શકો. બંગાળમાં કોઈ વિભાજન નહીં થાય જીવો અને જીવવા દો. મમતાએ કહ્યું, જો કોઈને મારી મિલકત લેવાનો અધિકાર નથી, તો હું કેવી રીતે કહી શકું કે બીજા કોઈની મિલકત લઈ શકાય છે? આપણે 30 ટકા મુસ્લિમોને સાથે લઇને ચાલવું પડશે. યાદ રાખો, દીદી તમારી મિલકતનું રક્ષણ કરશે.
આ પણ વાંચો: વકફ કાયદાના વિરોધ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે…
મુર્શિદાબાદમાં હિંસા થઈ હતી
ઉલ્લેખનીય છે કે, મંગળવારે બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ સાથે અથડામણ થઈ હતી. જેમાં પોલીસના વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ કાયદો મુસ્લિમો દ્વારા દાનમાં આપવામાં આવેલી વક્ફ તરીકે ઓળખાતી મિલકતો પર કેન્દ્રની દેખરેખને વિસ્તૃત કરે છે. બંગાળમાં મુસ્લિમોની વસ્તી લગભગ 30 ટકા છે અને તે તૃણમૂલ કોંગ્રેસની મોટી વોટ બેંક છે.