મમતા બેનર્જીની ટીએમસીની સ્પષ્ટતા, યુસુફ પઠાણ સહિત કોઇપણ સાંસદ પ્રતિનિધિમંડળમાં સામેલ નહિ થાય

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને આતંકી કેમ્પોનો ઉડાવી દીધા હતા. તેમજ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે તે બાબતનો પર્દાફાશ કર્યો હતો. ભારત પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધવિરામ છે. તેવા સમયે ભારતે પાકિસ્તાનના આતંકવાદી ચહેરાનો પર્દાફાશ કરવા માટે ઘણા દેશોમાં સાંસદોનું પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી કર્યું છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષોના નેતાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. સરકારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો પણ સમાવેશ કર્યો છે. પરંતુ એક અહેવાલ મુજબ યુસુફ પઠાણે ટીમ સાથે જવાનો ઇનકાર કરી દીધો છે.
યુસુફ પઠાણ કે અન્ય કોઈ સાંસદ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ રહેશે નહીં
તૃણમૂલ કોંગ્રેસે રવિવારે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે યુસુફ પઠાણ કે પાર્ટીના અન્ય કોઈ સાંસદ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ રહેશે નહીં. આ પ્રતિનિધિમંડળ આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ઉજાગર કરવા માટે ઘણા દેશોમાં જશે.
યુસુફ પઠાણના કેસમાં ટીએમસીએ આપ્યો આ જવાબ
ટીએમસીએ કહ્યું, અમે માનીએ છીએ કે દેશ પહેલા આવે છે અને દેશની સુરક્ષા માટે જરૂરી કોઈપણ પગલાં લેવા માટે કેન્દ્ર સરકારને અમારો સંપૂર્ણ ટેકો આપ્યો છે. આપણા સશસ્ત્ર દળોએ દેશને ગૌરવ અપાવ્યું છે અને અમે હંમેશા તેમના ઋણી રહીશું. વિદેશ નીતિ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે. તેથી, ફક્ત કેન્દ્ર સરકારને જ આપણી વિદેશ નીતિ નક્કી કરવાની અને તેની સંપૂર્ણ જવાબદારી લેવાની મંજૂરી આપવી જોઈએ.”
ભારતે પાકિસ્તાનનો પર્દાફાશ કરવાની યોજના બનાવી
સરકારે સાંસદોના પ્રતિનિધિમંડળમાં યુસુફ પઠાણનો સમાવેશ કર્યો હતો. એક અહેવાલ મુજબ સરકારે પઠાણનો સીધો સંપર્ક કર્યો હતો. ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો જવાબ ઓપરેશન સિંદૂર દ્વારા આપ્યો. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો હતો. જ્યારે પાકિસ્તાને અનેક શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.ભારતે દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યો. હવે ભારત વિશ્વભરમાં સાંસદોનું પ્રતિનિધિમંડળો મોકલવાની તૈયારી કરી રહ્યું છે જે દુનિયાને પાકિસ્તાન વિશે સત્યથી અવગત કરાવશે.
કુલ 51 રાજકારણીઓને વિદેશ મોકલવામાં આવી રહ્યા છે
સાંસદોની સર્વપક્ષીય ટીમમાં ભાજપના રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડા, કોંગ્રેસના શશિ થરૂર, જેડીયુના સંજય કુમાર, ડીએમકેના કનિમોઝી, એનસીપી-એસપીના સુપ્રિયા સુલે અને શિવસેનાના શ્રીકાંત શિંદેનો સમાવેશ થાય છે. તે બધા અલગ અલગ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. કુલ 51 રાજકારણીઓને વિદેશ મોકલવામાં આવી રહ્યા છે.