લોકસભાની ચૂંટણી પૂર્વે મમતા બેનરજીને મોટો ઝટકો, પાર્ટીમાંથી આ સાંસદે આપ્યું રાજીનામું
કોલકાતા: લોકસભાની ચૂંટણી પૂર્વે દેશની કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીમાંથી મોટા મોટા નેતા પાર્ટીને રામરામ કરી રહ્યા છે ત્યારે આજે પશ્ચિમ બંગાળમાં ટીએમસીમાંથી એક સાંસદે પાર્ટીમાંથી એક્ઝિટ લીધી હતી. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તીએ પોતાનું રાજીનામું પાર્ટીના વડા મમતા બેનર્જીને સોંપ્યું છે. (MP Mimi Chakraborty resigns) પોતાના રાજીનામાં પાછળનું કારણ જણાવતા કહે છે તે પોતાની સીટ પર TMCના સ્થાનિક નેતૃત્વથી નારાજ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મિમી ચક્રવર્તી જાદવપુર બેઠક પરથી જીત્યા હતા.
મીમીએ કહ્યું કે તે પોતાની સીટ પર સ્થાનિક TMC નેતૃત્વથી નાખુશ છે. જો કે, તેમણે તેમનું રાજીનામું લોકસભાના અધ્યક્ષને સુપરત કર્યું નથી, જેથી ટેક્નિકલી માની શકાય કે તેમણે માત્ર તેમના નિર્ણયની જાહેરાત કરી છે. આને ઔપચારિક રાજીનામું ગણવામાં આવશે નહીં.
મિમી ચક્રવર્તી સામે ચૂંટણી લડવા માટે ભાજપે અનુપમ હઝરાને ટિકિટ આપી હતી, જ્યારે વિકાસ રંજન ભટ્ટાચાર્ય CPM તરફથી ચૂંટણી લડી રહ્યા હતા. પરંતુ મિમી ચક્રવર્તીએ પોતાની લોકપ્રિયતા, મમતાનો ચહેરો અને સોનાર બાંગ્લાના સપનાના આધારે બંગાળમાં મોદી લહેરને સફળતાપૂર્વક અટકાવી દીધી હતી. તેમણે બીજેપી નેતા અનુપમ હજરાને લગભગ 2 લાખ 95 હજાર મતોના જંગી અંતરથી હરાવ્યા હતા. જ્યારે સીપીએમ ત્રીજા સ્થાને હતી.
મિમી ચક્રવર્તી બંગાળી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. મિમીનો જન્મ 11 ફેબ્રુઆરી 1989ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. મિમી ચક્રવર્તીએ 2012માં ફિલ્મ ચેમ્પિયનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે બંગાળી ઉદ્યોગમાં 25 થી વધુ સફળ ફિલ્મોમાં કામ કર્યું. મીમીની લોકપ્રિયતા જોઈને TMCએ તેને 2019માં પોતાની ઉમેદવાર બનાવી હતી. તે ચૂંટણી જીતી અને જાદવપુર બેઠક પરથી સાંસદ બની હતી.