SIR મુદ્દે મમતા બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું એક પણ બંગાળીને ડિટેન્શન કેમ્પમાં મોકલવાના નહી આવે

માલદા : પશ્ચિમ બંગાળમાં SIR ની કાર્યવાહીનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ અંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આક્રમક છે. જેમાં તેમણે SIR ના વિરોધમાં રેલી યોજી હતી. આ રેલીમાં મમતા બેનર્જીએ SIR પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેઓ અહીં છે ત્યાં સુધી એક પણ બંગાળીને ડિટેન્શન કેમ્પમાં મોકલવામાં આવશે નહીં કે બાંગ્લાદેશ મોકલવામાં આવશે નહીં. આ દરમિયાન મમતા બેનર્જીએ હિન્દુત્વનો મુદ્દો પણ ઉઠાવતા કહ્યું કે ભાજપ પાસેથી હિન્દુત્વ શીખવાની કોઈ જરૂર નથી.
માલદા રેલીમાં સુનાલી ખાતૂનનો મુદ્દો ઉઠાવ્યો
સીએમ મમતા બેનર્જીએ માલદા રેલીમાં સુનાલી ખાતૂનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સુનાલી ખાતૂનને બાંગ્લાદેશી ગણાવીને સરહદ પાર મોકલી દીધી હતી. કેમકે તપાસમાં તે બાંગ્લા ભાષા બોલતી હતી. મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાલી ખાતૂનને ભારત આવવાની મંજુરી આપ્યા બાદ કેન્દ્રની એનડીએ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે મમતા બેનર્જી આક્રમક, કહ્યું બંગાળ મેળવવામાં ગુજરાત ગુમાવવું પડશે
SIR શરૂ કરીને ભાજપે પોતાની કબર ખોદી
આ ઉપરાંત સીએમ મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં SIR કરાવવાના કાવતરા પાછળ ગૃહમંત્રી અમિત શાહનો હાથ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં SIR શરૂ કરીને ભાજપે પોતાની કબર ખોદી છે.
બિહારમાં મતદાર યાદીમાંથી 47 લાખ નકલી મતદારોને દૂર કરવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયાનો હેતુ મતદાર યાદીમાંથી નકલી મતદારોને દૂર કરવાનો છે. જેનું ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ 4 ડિસેમ્બર, 2025 થી વધારીને 11 ડિસેમ્બર, 2025 કરવામાં આવી છે. તાજેતરમાં ચૂંટણી પૂર્વે બિહારમાં SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી 47 લાખ નકલી મતદારોને દૂર કરવામાં આવ્યા હતા.



