મમતાના નેતૃત્વમાં બંગાળમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા છેઃ સંદેશખાલી મામલે બીજુ શું બોલ્યા રવિશંકર પ્રસાદ
નવી દિલ્હીઃ પ. બંગાળના સંદેશખાલી મામલો આજકાલ ઘણો સમાચારમાં ચમકી રહ્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી ગયો છે અને આ મામલે બધા જ સ્તબ્ધ છે. સંદેશખાલીની મહિલાઓએ તૃણમુલ કૉંગ્રેસના તાકતવર નેતા શેખ શાહજહાં પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. શેખ શાહજહાં ગાયબ થઇ ગયો છે અને પોલીસ તેની શોધ ચલાવી રહી છે. આ ઘટના પર હવે ભાજપના નેતા રવિશંકર પ્રસાદનું નિવેદન આવ્યું છે.
સંદેશખાલી મામલે રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે, આ મમાલો ઘણો ગંભીર બની રહ્યો છે. આવી ઘટના સભ્ય સમાજ માટે શર્મનાક અને કલંક સમાન છે. તે છતાં પણ મમતાજી હજી પણ શેખ શાહજહાં નો બચાવ કરી રહી છે. શુભેન્દુ અધિકારી કોર્ટના આદેશ પર સંદેશખાલી ગયા હતા ત્યારે ત્યાંની મહિલાઓએ રડી રડીને તેમની આપવીતી સંભળાવી હતી, પણ મમતાજી આ મામલે કંઇક છુપાવી રહ્યા છે.
મમતા સીપીએમ સામે આંદોલન કરીને આવ્યા છે, પણ આખરે એમનો અત્યાચાર સીપીએમથી પણ વધી ગયો છે. આ મામલે સીપીએમે કોઇ ઔપચારિક નિવેદન કર્યું નથી. રાહુલ ગાંધી પણ આ ઘટના પર ચૂપ છે. ચંડીગઢની ઘટના પર બધા બોલી રહ્યા છે, પણ આ મુદ્દે બધાએ ચુપ્પી સાધી લીધી છે. વોટ માટે કોઇકેટલી નીચી હદ સુધી જઇ શકે છે. ટ્રિપલ તલાક પર પણ ચૂપ હતા. વોટના મામલે બધા જ ચૂપ રહે છે.
રવિશંકર પ્રસાદે એમ પણ જણાવ્યું હતું કે બંગાળમાં પત્રકારોની ધરપકડની અમે નિંદા કરીએ છીએ. મમતાજીના નેતૃત્વમાં બંગાળમાં કાયદાનું શાસન પડી ભાંગ્યું છે.