પ્રદર્શન કરી રહેલા જુનિયર ડૉક્ટરોને ફરજ પર આવવા મમતાએ કરી અપીલ; કહ્યું નહિ કરીએ આકરી કાર્યવાહી..

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી તબીબ સાથે થયેલ બળાત્કાર અને હત્યાના કેસથી આખા દેશમાં ભારે રોષ વ્યાપ્યો છે. જો કે આ જઘન્ય અપરાધને લઈને મમતા સરકાર પર પણ ભારે માછલાં ધોવાઈ રહ્યા છે. આ મામલે મમતા બેનર્જી લોકો અને ન્યાય માટે મુખ્ય પ્રધાનનું પદ છોડવાની તૈયારી ધરાવે છે તેવું પણ નિવેદન આપી ચૂક્યા છે. આ સાથે જ તેમણે તબીબોને સેવા પર પરત ફરવાની અપીલ કરી રહ્યા છે.
ગઇકાલે ગુરુવારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચે વાતચીત થવાની હતી, પરંતુ જે થઈ શકી નહોતી. મમતા બેનર્જીએ હડતાળ પર ઉતરેલા આવેલા ડોક્ટરો સાથે વાત કરવા માટે 2 કલાક સુધી રાહ જોઈ પરંતુ તેઓ વાતચીત માટે આવ્યા ન હતા. આથી નિરાશા વ્યક્ત કરતા મમતા બેનર્જીએ કહ્યું, “તેમને ન્યાય નથી જોઈતો, તેઓને ખુરશી જોઈએ છે. હું લોકોના હિત માટે રાજીનામું આપવા તૈયાર છું.” તેમણે કહ્યું કે મને આશા છે કે લોકો આ વાત સમજશે.
કોલકાતામાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનથી સરકાર ખૂબ જ ભીંસમાં આવી છે અને વિપક્ષ સતત સરકાર સામે પ્રશ્નો ઉઠાવી રહી છે. હવે મમતા બનર્જીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. લોકોના રોષ અને વિરોધની વચ્ચે મમતા બેનર્જી ન્યાય અપાવવાની અને લોકોના હિત ખાતર રાજીનામું આપી દેવાની તૈયારી દર્શાવી છે. આગામી સમયમાં દુર્ગા પૂજાનો તહેવાર હોય વિરોધ પ્રદર્શનથી શહેરમાં ભારે ટ્રાફિકની સમસ્યાનું સર્જન થયું છે.
આ પણ વાંચો : West Bengal ના રાજ્યપાલની મોટી જાહેરાત, સીએમ મમતા બેનર્જીનો કરશે સામાજિક બહિષ્કાર
આ દરમિયાન મમતા બેનર્જીએ જુનિયર ડૉક્ટર સાથે બેઠક યોજવાના પ્રયત્નો કર્યા હતા અને મમતા બેનર્જી રાહ જોતાં રહ્યા પરંતુ વાતચીત માટે ડોકટરો ન આવ્યા. આથી મમતા રોષે ભરાયા હતા અને કહ્યું હતું કે, ‘લાખો દર્દીઓના જીવ જોખમમાં મુકીને છેલ્લા એક મહિનાથી આંદોલન ચલાવી રહેલા ડોક્ટરો ડોક્ટર બનવાને લાયક નથી. તેમણે કહ્યું હતું કે મને સમજાતું નથી કે એક ડૉક્ટર હોવા છતાં તેઓ કેમ આવી રીતે અમાનવીય રીતે વર્તી રહ્યા છે.
સાથે જ મમતા બેનર્જીએ એ પણ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે વાતચીતને લઈને પણ હજુ પણ સંભાવનાઓ રહેલી છે. કોઇ આકરી કાર્યવાહી નહિ કરવામાં આવે અને ધૈર્ય સાથે રાહ જોઈશું. પરંતુ મહેરબાની કરીને તમે ફરજ પર પરત ફરો. તેમણે કહ્યું હતું કે આ બાદ પણ તે વાત કરવા ઈચ્છે છે તો હું અધિકારીને બેઠક કરવા માટે કહીશ. અમે ઉત્તર પ્રદેશની જેમ ડોકટરો પર કોઇ એક્ટ નહિ લગાવીએ. તેમણે કહ્યું હતું કે ‘હું ખુદ જ વિરોધ પ્રદર્શનથી જ ઉભરીને આવી છું.’