Video: કેરળના મંદિરમાં વિદેશી મહિલા સાથે દુર્વ્યવહાર, મંદિરમાં પ્રવેશ ન અપાતા વિવાદ
તિરુવનંતપુરમ: દેશના પ્રવાસના સ્થળો ઉપરાંત ધાર્મિક સ્થળોએ દેશ-વિદેશમાં લોકોને આકર્ષવા સરકાર વિવિધ પ્રયત્નો કરી રહી છે. એવામાં કેરળના પ્રખ્યાત પદ્મનાભસ્વામી મંદિર(Sree Padmanabhaswamy Temple) માં વિદેશી મહિલા સાથે કથિત રીતે દુર્વ્યવહારની ઘટના બની હતી. એક વિદેશી મહિલાએ આરોપ લગાવ્યો છે કે મંદિરમાં તેની રાષ્ટ્રીયતા અને ધર્મના કારણે પ્રવેશ ન આપવામાં આવ્યો. એક વાયરલ વીડિયોમાં સાડી પહેરેલી વિદેશી મહિલા કહી રહી છે કે તેને કહેવામાં આવ્યું હતું કે મંદિરમાં ફક્ત હિંદુઓને જ પ્રવેશ આપવામાં આવે છે.
વિદેશી મહિલાના ભારતીય મંગેતરે મંદિરના અધિકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેમની સગાઈ થઈ ગઈ છે અને મહિલા ટૂંક સમયમાં ભારતીય નાગરિક બનશે. તેમ છતાં, તેઓને મંદિર કાર્યાલયમાંથી કહેવામાં આવ્યું હતું કે મંદિર પરિસરમાં ફક્ત હિન્દુઓ જ પ્રવેશી શકે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમે વિડિયોને રી-શેર કર્યો અને મંદિરની પ્રથા પર સવાલ ઉઠાવ્યો, “કોઈને પણ જે ધાર્મિક સ્થળની મુલાકાત લેવા માંગતા હોય તેમને શા માટે પ્રતિબંધિત કરવામાં આવી રહ્યા છે?”
આ પણ વાંચો: ગુજરાતના સીએમ Bhupendra Patel નો આજે જન્મ દિવસ, ત્રિમંદિર ખાતે દર્શન કરીને કાર્યોનો પ્રારંભ કર્યો
વીડિયોમાં મહિલા જણાવી રહી છે કે તે ખરેખર હિંદુ છે, પરંતુ મંદિર પ્રસાશને પુરાવાની માંગ કરી હતી. મહિલાએ સવાલ કર્યો કે “દરેક સમયે પ્રમાણપત્ર લઇને કોણ ફરે છે?”. મહિલાએ નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેણે ભારતીય સાથેની સગાઈ કરી છે અને તેણે ગીતાનો અભ્યાસ પણ કર્યો છે, છતાં તેની સાથે “ગુનેગાર” જેવું વર્તન કરવામાં આવ્યું હતું.
મહિલાએ મંદિરના પ્રસાશન પર પર જાતિવાદનો આરોપ મૂક્યો અને કહ્યું કે કેવી રીતે તેણે ખાસ સાડી ખરીદી હતી અને મંદિરની મુલાકાત માટે તેમની ટ્રીપ પણ લંબાવી હતી. મહિલાએ સવાલ કર્યો કે “આ વ્યક્તિ કોણ છે જે ભગવાનની સામે બેઠો છે અને મને કહે છે કે અમે પ્રવેશ કરી શકતા નથી?”