નેશનલ

મલ્લિકાર્જન ખડગેનું કૉંગ્રેસ પ્રમુખ તરીકે એક વર્ષ પૂર્ણઃ હવે પાંચ રાજ્યોની ચૂંટણીની અગ્નિ પરીક્ષા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટી અધ્યક્ષ તરીકે એક વર્ષ પૂર્ણ કર્યું છે. ખડગેના કાર્યકાળના એક વર્ષ પૂરા થવા પર, પાર્ટીએ કહ્યું કે તેમના નેતૃત્વમાં પક્ષે ઘણી પ્રગતિ કરી છે અને તેમણે સંગઠનાત્મક માળખું મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ખડગેને ગયા વર્ષે ઓક્ટોબરમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને ટોચના પદ માટે પાર્ટીની આંતરિક ચૂંટણીમાં શશિ થરૂરને હરાવ્યા હતા. તેમણે સત્તાવાર રીતે 26 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

એક વર્ષની વાત કરીએ તો કૉંગ્રેસ માટે સૌથી હાનિકારક પક્ષનો આંતરિક જૂથવાદ છે. જે રાજસ્થાનમાં સારજાહેર થઈ ગયો હતો. જોકે હજું ક્યારે ક તણખા ઝરે છે પણ પક્ષનો દાવો છે કે તેમણે જૂથવાદને ડામ્યો છે. ખડગેએ છેલ્લા એક વર્ષમાં ગેહલોત અને પાયલટ બંને સાથે ઘણી બેઠકો કરી હતી. આમાં તેણે બતાવ્યું કે બંને મહત્વપૂર્ણ નેતા છે. ખડગેના કારણે જ નવેમ્બરમાં યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટી એકજુટ દેખાઈ રહી છે.

બીજી તરફ તેમણે કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે સમાધાન કરાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં જૂથવાદને કાબૂમાં લેવામાં સફળતા મેળવી તેમ માનવામાં આવે છે. ખડગેના નેતૃત્વમાં જ પાર્ટીએ લગભગ ચાર વર્ષ બાદ બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જીતી હતી. પાર્ટી પહેલા હિમાચલ પ્રદેશ અને પછી કર્ણાટકમાં સત્તામાં પરત ફરવામાં સફળ રહી હતી. જોકે તેમના અધ્યક્ષપદ બનતાની સાથે જ સૌથી મહત્વની એવી ગુજરાતની ચૂંટણીમાં પક્ષે કારમો પરાજય પણ મેળવ્યો.

વર્ષ 2024મા આવનારી લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો વિપક્ષી એકતા સાથે 27 પક્ષોનું ઈન્ડિયા ગઠબંધન બનાવવામાં મલ્લિકાર્જુન ખડગેની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે. ઘણા રાજકીય નિષ્ણાતો માને છે કે જો વિપક્ષી એકતા જૂથને બહુમતી મળે ને જ્યારે ગાંધી-નેહરુ પરિવારની બહારના વડા પ્રધાનપદના ઉમેદવારની વાત આવે છે, તો ખડગેના નામ પર સર્વસંમતિ થઈ શકે છે. આ સિવાય ખડગે હાલમાં ઈન્ડિયા ગઠબંધન વચ્ચે સીટોની વહેંચણીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

લગભગ 55 વર્ષમની લાંબી રાજકીય સફર ખેડી ચૂકેલા ખડગે કૉંગ્રેસ પક્ષના પહેલા દલિત અધ્યક્ષ પણ છે. કૉંગ્રેસ અધ્યક્ષને હંમેશાં ગાંધી પરિવારના ઈશારે રમતા ચિતરવામાં આવે છે, પણ ખડગે અત્યાર સુધી આવી ટીકાથી દૂર રહી શક્યા છે. જોકે આવનારો સમય તેમની માટે અગ્નિ પરીક્ષા સમાન છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ અને મિઝોરમની ચૂંટણી અને તે બાદ 2024માં લોકસભાની ચૂંટણી તેમની માટે અને પક્ષ માટે ખૂબ મહત્વની છે અને તે નક્કી કરશે કે ખડગે પક્ષ માટે ખડગ સાબિત થયા કે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button