‘ભગવા’ આતંકવાદ શબ્દનો જન્મ માલેગાંવ બ્લાસ્ટથી થયો, જાણો કેસની અજાણી વાતો

માલેગાંવ: 2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ પછી જ દેશમાં ભગવો આતંકવાદ શબ્દ પ્રયોગ પ્રચલિત થયો હતો. રાજ્યની એન્ટી ટેરર સ્ક્વોડ (આતંકવાદ વિરોધી ટુકડી)ના વડા હેમંત કરકરેએ ઘટનાસ્થળેથી મળી આવેલા સ્કૂટરના આધારે આ કેસ સોલ્વ કર્યો હતો અને કહેવાતા ‘અભિનવ ભારત’ સંગઠનની સંડોવણી હોવાનું જાહેર કર્યું હતું.
તત્કાલીન આતંકવાદ વિરોધી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે 26 નવેમ્બર, 2008ના દિવસે થયેલા આતંકવાદી હુમલામાં કરકરે શહીદ થયા હતા અને માલેગાંવ વિસ્ફોટોની તપાસમાં અવરોધ ઊભો થયો હતો.
પ્રજ્ઞાસિંહની પૂછપરછ કરકરેએ કરી હતી
સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનું સ્કૂટર મળી આવતાં લિંક સુરત પહોંચી હતી. એ સમયે પ્રજ્ઞાસિંહને કાર્યવાહી માટે એન્ટી ટેરરિઝમ ડિપાર્ટમેન્ટમાં લાવવામાં આવ્યા હતા. કરકરેએ જ તેમની પૂછપરછ કરી હતી. એ સમયે કર્નલ પ્રસાદ પુરોહિત, નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય અને સ્વઘોષિત ગુરુ દયાનંદ પાંડેની ધરપકડ બાદ સાધ્વીને કસ્ટડીમાં લેવામાં મુશ્કેલી ન પડી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. કરકરેએ ધરપકડ વિશે સંવાદદાતાઓને વિગતવાર માહિતી આપી હતી. બોમ્બ ધડાકા સાથે તેઓ કેવી રીતે સંબંધિત છે એ પણ સમજાવ્યું હતું.
આપણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 17 વર્ષે ચુકાદો; પ્રજ્ઞા સિંહ ઠાકુર સહીત તમામ 7 આરોપી નિર્દોષ જાહેર
માલેગાંવ બોમ્બ બ્લાસ્ટની તપાસ બંધ કરી દેવાઈ
એ દિવસ 26 નવેમ્બર, 2008નો હતો. આ કેસની તપાસ હજી પૂરી થઈ નથી. ‘અન્ય કેટલીક મહત્ત્વની ધરપકડો કરવાની બાકી છે’ એમ તેમણે જણાવ્યું હતું. એ સમયે પ્રસિદ્ધિથી દૂર રહેતા કરકરેએ એક ચેનલ પર વિસ્તૃત ઇન્ટરવ્યૂ આપી કાર્યવાહીનું સમર્થન કર્યું હતું.
જો કે, તે જ રાત્રે આતંકી હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું અને માલેગાંવ બોમ્બ બ્લાસ્ટની તપાસ બંધ કરી દેવામાં આવી હતી. તેમના પછી હોદ્દો સંભાળનારા કે પી રઘુવંશીએ તમામ સામે મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (મકોકા) હેઠળ કાર્યવાહી કરી, પણ એ ટકી નહીં.
આપણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસઃ પ્રજ્ઞાસિંહ ઠાકુરે કોર્ટને આપ્યું આશ્વાસન
કરકરેએ સનાતન સંસ્થા પર પ્રતિબંધની માગ કરી હતી
આ જ સમયગાળા દરમિયાન વાશી અને પનવેલમાં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં સનાતન સંસ્થાની સંડોવણી પણ કરકરેએ શોધી કાઢી હતી. ત્યારે તેમણે રાજ્ય સરકારને સનાતન સંસ્થા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. ભાજપના નેતૃત્વ હેઠળના અન્ય હિન્દુ સંગઠનોએ એ સમયે કરકરેની તીવ્ર ટીકા કરી હતી.
નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર એટીએસની ટીકા કરી હતી
તત્કાલીન ગુજરાતના મુખ્ય પ્રધાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્ર એટીએસની કાર્યવાહીની ટીકા કરી હતી. તે સમયે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કરકરે લઘુમતી સમુદાયને રાજી રાખનારી તત્કાલીન કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર માટે કામ કરી રહ્યા છે. અલબત્ત પોતે કરેલી કાર્યવાહી વાજબી હોવાનું સમર્થન તેમણે કર્યું હતું. ત્યાર બાદ ‘ભગવો આતંકવાદ’ શબ્દ પ્રયોગ પ્રચલિત થયો.