બહરાઈચ: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં(Bahraich)અત્યાર સુધીમાં પાંચ માનવભક્ષી વરુ પકડાયા છે. જ્યારે પકડવાના બાકી રહેલા એક વરુએ પણ આતંક મચાવ્યો છે. આ વરુએ બે ગામમાં હુમલો કર્યો છે. જેમાં 11 વર્ષની બે છોકરીઓને ગંભીર ઇજા થઇ છે. તેમને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મોડી રાત્રે નર વરુએ લોકો પર હુમલો કર્યો હતો
વન વિભાગની ટીમે 10 સપ્ટેમ્બરે જ પાંચમા વરુને પકડયો હતો. જ્યારે વનવિભાગની પકડથી દૂર માનવભક્ષી વરુએ ગડેરન પૂર્વા ગામની 11 વર્ષની સુમન અને ખૈરીઘાટની શિવાનીને નિશાન બનાવ્યા છે. સુમનની સારવાર બહરાઈચની જિલ્લા હોસ્પિટલમાં થઈ રહી છે. જ્યારે શિવાનીને સીએચસી મહસીમાં દાખલ કરવામાં આવી છે. આ પહેલા પણ જોવામાં આવ્યું છે કે જ્યારે પણ તેમના ટોળામાંથી કોઈ વરુ પકડાય છે. ત્યારે માનવભક્ષી વરુ વધુ આક્રમક બની જાય છે. આ કેસમાં પણ એવું જ થયું જ્યારે ગત મંગળવારે માદા વરુ પકડાઈ ગયું. ત્યાર બાદ મોડી રાત્રે નર વરુએ લોકો પર હુમલો કર્યો હતો.
બહરાઈચમાં વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે મહસી તાલુકામાં ચાલી રહેલા ‘ઓપરેશન વુલ્ફ’ અભિયાન હેઠળ મંગળવારે પાંચમો વરુ પકડાયો હતો. આ ઓપરેશન છ વરુના સમૂહને પકડવા માટે હાથ ધરવામાં આવી રહ્યું છે. ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે પાંચમો માનવભક્ષી વરુ હરભંસપુર ગામ નજીક પાસેથી પકડાયો હતો. તેમણે કહ્યું, હવે આ જુથનો છેલ્લો વરુ, જે લંગડો છે તે પકડવાનો બાકી છે. આશા છે કે તે પણ જલ્દી પકડાઈ જશે.
લંગડા વરુને પકડવામાં નહીં આવે ત્યાં સુધી ખતરો રહેશે
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી લંગડા વરુને પકડવામાં નહીં આવે ત્યાં સુધી ખતરો રહેશે. 17 જુલાઈથી ચાલી રહેલા અભિયાન ‘ઓપરેશન વુલ્ફ’નો ઉદ્દેશ્ય બહરાઈચ જિલ્લાના મહસી તહસીલના 50 ગામોમાં આતંક મચાવતા છ વરુઓના સમૂહને પકડવાનો છે. આ વરુઓના હુમલામાં અત્યાર સુધીમાં 9 બાળકો સહિત 10 લોકોના મોત થયા છે. આ સિવાય 50 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.
બહરાઈચમાં 200 પોલીસકર્મીઓ, 18 શૂટર્સ તૈનાત
બહરાઈચમાં આ માનવભક્ષી વરુઓને પકડવા માટે 5 ફોરેસ્ટ ડિવિઝન બહરાઈચ, કટાર્નિયાઘાટ વાઈલ્ડલાઈફ, શ્રાવસ્તી, ગોંડા અને બારાબંકીની લગભગ 25 ટીમો રોકાયેલી છે. બહરાઇચમાં લોકોને વરુઓથી બચાવવા માટે આ ગામોમાં 200 પોલીસકર્મીઓ અને 18 શૂટ ઓન-સાઇટ શૂટર્સ તૈનાત કરવામાં આવ્યા હતા.