‘હું જેલમાં હતો, મનમોહન સિંહે મારા પુત્રના ભણવાનો ખર્ચ ઉપાડવાની ઑફર કરી હતી’, મલેશિયાના પીએમે આ રીતે કર્યા યાદ

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હી એઇમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વિશ્વ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યું છે. આ દરમિયાન મલેશિયાના વડા પ્રધાન અનવર ઈબ્રાહિમે મનમોહન સિંહ સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે. જે મનમોહન સિંહની માનવતા દર્શાવે છે.
અનવર ઈબ્રાહિમે સોશિયલ મીડિયા પર લખ્યું, મારા આદરણીય અને પ્રિય મિત્ર ડૉ.મનમોહન સિંહના નિધનના સમાચાર સાંભળીને મારા પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. આ મહાન વ્યક્તિ અંગે નિશ્ચિત રીતે નિશ્ચિત રીતે અનેક પુસ્તકો લખાશે, જેમાં તેમને ભારતના આર્થિક સુધારાના નિર્માતા ગણાવવામાં આવશે. ડૉ. મનમોહન સિંહ વિશ્વના આર્થિક દિગ્ગજો પૈકીના એક હતા.
Also read: મનમોહન સિંહના આ નિર્ણયોએ દેશેને આપી નવી દિશા
અનવરે 1990ના દાયકા દરમિયાન મલેશિયાના નાણાં પ્રધાન તરીકે કામ કર્યું હતું. તેમણે ડૉ. મનમોહન સિંહના અભૂતપૂર્વ આર્થિક સુધારાને યાદ કર્યા. બંને નેતાએ ભ્રષ્ટાચાર સામે લડવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે કહ્યું, ડૉ. સિંહ એક શ્રેષ્ઠ રાજનેતા હતા, રાજનેતા તરીકે ચોક્કસપણે તેઓ ઘણા મજબૂત હતા. તેઓ એક એવો વારસો છોડીને ગયા છે, જેનાથી આગામી પેઢી પ્રેરણા લેતી રહેશે.
મલેશિયાના વડા પ્રધાને કહ્યું, જ્યારે એક રાજકીય કાવતરા અંતર્ગત તેમને જેલમાં નાંખવામાં આવ્યા ત્યારે મનમોહન સિંહ તેમના બાળકો ખાસ કરીને પુત્રના ભણવાનો ખર્ચ ઉઠાવવાની ઑફર કરી હતી. ઈબ્રાહિમ મુજબ, આવું કરવાથી તત્કાલિન મલેશિયન સરકાર નારાજ પણ થઈ શકતી હતી. પરંતુ તેમણે તેમના સ્વભાવ મુજબ આમ કર્યું. અનવર ઈબ્રાહિમે કહ્યું, તેમણે મનમોહન સિંહની મદદની ઑફરનો વિનમ્રતાથી અસ્વીકાર કર્યો હતો. અભ્યાસ ખર્ચ ઉઠાવવામાં અસમર્થ બાળકો પ્રત્યે મનમોહન સિંહની સહાનુભૂતિ સ્વભાવિક હતી.