'માયાવતીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવો…', BSP સાંસદે ઈન્ડિયા એલાયન્સ સામે શરત મૂકી

‘માયાવતીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવો…’, BSP સાંસદે ઈન્ડિયા એલાયન્સ સામે શરત મૂકી

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળે વિરોધ પક્ષોના ગઠબંધનમાં સામેલ થવા બાબતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. અખિલેશ યાદવે ઈન્ડિયા એલાયન્સની છેલ્લી બેઠકમાં પણ કોંગ્રેસને આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું. પરંતુ હવે માયાવતીના નજીકના ગણાતા બહુજન સમાજ પાર્ટી (બસપા)ના એક નેતાએ ઈન્ડિયા એલાયન્સમાં જોડાવા એક શરત રાખી છે.

અહેવાલો મુજબ માયાવતી છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં છે, સુત્રોના જણાવ્યા મુજબ કેડરના દબાણને કારણે માયાવતીએ પણ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવાની શરત રાખી છે. અમરોહાના સાંસદ અને માયાવતીના નજીકના ગણાતા મલૂક નાગરે કહ્યું છે કે માયાવતીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવ્યા વિના ગઠબંધનમાં જોડાવું અર્થહીન છે.

મલુક નાગરે કહ્યું કે જો ઇન્ડિયા ગઠબંધન ખરેખર ભાજપને હરાવવા માંગે છે તો તેણે માયાવતીને ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા જોઈએ. જો આવું ન કરવામાં આવે તો મોદીને રોકવા તે કોઈ પણ માટે શક્ય નથી.

મલુક નાગરે કહ્યું કે માયાવતીના 13 ટકા વોટ અને વિપક્ષના 37-38 ટકા વોટ નિર્ણાયક લીડ આપી શકે છે, જે યુપીમાં બીજેપીના 44 ટકાથી ઘણા વધારે છે, પરંતુ આ માટે જરૂરી છે કે માયાવતીને વડાપ્રધાનનો ચહેરો બનાવવામાં આવે. બીએસપી સાંસદે કહ્યું કે જો બસપા સાથે આવે છે તો સમગ્ર દેશમાં તેની વોટ ટકાવારીથી ઇન્ડિયા ગઠબંધનને ફાયદો થશે અને પછી ભાજપને રોકી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં અખિલેશે બસપા સાથે વાતચીતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું, “શું કોંગ્રેસ પાર્ટી આ ગઠબંધનની બહાર બસપા સાથે વાતચીત કરી રહી છે, શું તે BSPને આ ગઠબંધનમાં લાવવા માંગે છે? કોંગ્રેસે સૌથી પહેલા આ અંગે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ.કારણ કે તો સમાજવાદી પાર્ટીએ પણ આ ગઠબંધન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે.”

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button