નેશનલ

ઉત્તરાયણે ‘ખીચડો’ ખાવો કે નહીં? ૧૯ વર્ષ પછી મકરસંક્રાંતિ અને એકાદશીનો સંયોગ, લોકો મૂંઝવણમાં!

મકરસંક્રાંતિ એટલે (Makar Sankranti) કે ઉત્તરાયણને (Uttarayan) આડે હવે બસ ચાર દિવસ જ છે, ત્યારે ઉત્તરાયણની ઉજવણીને લઈને લોકોમાં થોડી મૂંઝવણ જોવા મળી રહી છે. 14 જાન્યુઆરી, બુધવારના રોજ મકરસંક્રાંતિની સાથે જ ‘ષટતિલા એકાદશી’ (Shattila Ekadashi) પણ આવી રહી છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર એકાદશીના દિવસે અનાજ અને ખાસ કરીને ચોખાનો ત્યાગ કરવાનો હોવાથી, સંક્રાંતિના પર્વે પરંપરાગત રીતે બનતો ખીચડો કે ખીચડી બનાવી શકાશે કે કેમ તે અંગે અસમંજસમાં છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, મકરસંક્રાંતિ અને એકાદશીનો આવો દુર્લભ સંયોગ 19 વર્ષ બાદ સર્જાયો છે.

પંચાંગના જણાવ્યા અનુસાર, 14 જાન્યુઆરીએ સૂર્યદેવ બપોરે 3:07 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે. ષટતિલા એકાદશીની તિથિ 14 જાન્યુઆરીએ વહેલી સવારે 3:18 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:53 વાગ્યે પૂર્ણ થશે. આથી, એકાદશીના વ્રત અને મર્યાદા જાળવતા લોકો મકરસંક્રાંતિના દિવસે અનાજના ખીચડાને બદલે સાબુદાણાની ફરાળી ખીચડી અથવા તલમાંથી બનેલી વાનગીઓનો ઉપયોગ કરી શકી કે કેમ તેમ વિચારી રહ્યા છે. ઘણા લોકો એકાદશીના કારણે બીજા દિવસે એટલે કે 15 જાન્યુઆરીએ ખીચડો બનાવવાનું આયોજન કરી રહ્યા છે.

મકરસંક્રાંતિના દિવસે પવિત્ર સ્નાન અને દાનનો વિશેષ મહિમા છે. જ્યોતિષીઓના મતે, આ દિવસે એકાદશી હોવાથી ભગવાનને શ્વેત (સફેદ) તલ અર્પણ કરવા અત્યંત શુભ ફળદાયી રહેશે. આ ઉપરાંત ધાબળા, ઘી અને તલનું દાન કરવું પુણ્ય આપનારું માનવામાં આવે છે. ખીચડો ન ખાઈ શકવાના સંજોગોમાં શ્રદ્ધાળુઓ તલ અને ગોળની બનાવટોથી પર્વની ઉજવણી કરી શકે છે.

આ પણ વાંચો…ઉત્તરાયણ મોંઘી બનશે, પતંગના ભાવમાં 15 ટકાનો વધારો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button