
મોહાલી : પંજાબમાં ખેડૂતોના આંદોલન(Farmers Protest)વચ્ચે એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આજે કેન્દ્ર સરકાર સાથે ખેડૂતોની 7મી બેઠક હતી. આ સમય દરમિયાન પોલીસે બેઠકમાંથી પંજાબ પરત ફરી રહેલા ખેડૂતો સામે મોટી કાર્યવાહી કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબ પોલીસે મોહાલીમાં ખેડૂત નેતાઓ સરવન સિંહ પંધેર અને જગજીત સિંહ દલેવાલની અટકાયત કરી છે. જ્યારે અભિમન્યુ કોહાડ, કાકા સિંહ કોટડા અને અન્ય નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા નરેન્દ્ર મોદીઃ ભાજપના નેતાએ નિવેદન આપતા વિવાદ સર્જાયો
શંભુ અને ખાનૌરી સરહદ ખાલી કરાવવાની રણનીતિ
જેમાં કેન્દ્ર સરકારે શંભુ અને ખાનૌરી સરહદ ખાલી કરાવવાની રણનીતિ બનાવી છે. જે અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. આ બધા નેતાઓ લાંબા સમયથી ખેડૂતોની માંગણીઓ માટે લડી રહ્યા છે અને સરકારને લઘુત્તમ ટેકાના ભાવ(MSP)ની કાનૂની ગેરંટી સહિત અન્ય માંગણીઓ પૂર્ણ કરવા અપીલ કરી રહ્યા છે.
શંભુ અને ખાનૌરીમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું
મળતી માહિતી મુજબ, મોહાલી-ચંદીગઢ બોર્ડર (એરપોર્ટ રોડ) પર પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી. જ્યાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે. પોલીસે સાવચેતીના પગલાં લીધા અને પ્રદર્શનકારીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો. જેના કારણે વાતાવરણ તંગ બન્યું છે. શંભુ અને ખાનૌરીમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે સાતમા રાઉન્ડની વાતચીત થઈ
જેમા બુધવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે સાતમા રાઉન્ડની વાતચીત થઈ. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ આ બેઠકમાં હાજર રહ્યા હતા. પંજાબ સરકાર વતી નાણામંત્રી હરપાલ સિંહ ચીમા અને કૃષિમંત્રી ગુરમીત સિંહ ખુદિયાન બેઠકમાં હાજર રહ્યા હતા.
આગામી બેઠક 4 મેના રોજ યોજાશે
આ બેઠકમાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની કાનૂની ગેરંટી, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, લોન માફી, વીજળીના દરમાં કોઈ વધારો નહીં, ખેડૂતો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાય જેવી માંગણીઓનો સમાવેશ થાય છે. આ બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી ચૌહાણે જણાવ્યું હતું કે ચર્ચા સકારાત્મક રહી છે અને આગામી બેઠક 4 મેના રોજ યોજાશે.
ખેડૂતોને આશા ઉકેલ આવશે
જ્યારે ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે ખેડૂતોને આશા છે કે સરકાર તેમની માંગણીઓનો ઉકેલ લાવશે. તેમણે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચા ના 28 સભ્યોના પ્રતિનિધિમંડળે બેઠકમાં ભાગ લીધો હતો. આ પહેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલ એમ્બ્યુલન્સમાં બેઠકમાં પહોંચ્યા હતા.
આ પણ વાંચો : લોકસભામાં મહાકુંભ મુદ્દે પીએમ મોદીએ શું કહ્યું? જાણો વિગત
13 ફેબ્રુઆરી 2024 ના રોજ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે, પંજાબના ખેડૂતોએ 13 ફેબ્રુઆરી 2024 ના રોજ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ પોલીસે તેમને પંજાબ-હરિયાણા બોર્ડર પર રોકી દીધા હતા. ત્યારથી ખેડૂતો શંભુ અને ખાનૌરી સરહદ પર ધામા નાખીને પોતાની માંગણીઓ માટે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.