સંસદની સુરક્ષામાં ફરી મોટી ચૂક; એક શખ્સ દિવાલ કૂદીને પરિસરમાં અંદર ઘૂસી ગયો | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

સંસદની સુરક્ષામાં ફરી મોટી ચૂક; એક શખ્સ દિવાલ કૂદીને પરિસરમાં અંદર ઘૂસી ગયો

નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર હાજુ ગઈ કાલે જ સમાપ્ત થયું, આજે શુક્રવારે સંસદ ભવનની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. અહેવાલ મુજબ એક શખ્સ ભવનની દિવાલ કૂદીને પરિસરમાં ઘૂસી ગયો હતો. હાલ શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ સવારે સાડા છ વાગ્યે આ ઘટના બની હતી. એક શખ્સ સંસદના ગરુડ દ્વાર સુધી પહોંચી ગયો હતો, હાજર સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો હતો. આરોપી ઝાડની મદદથી દિવાલ પર ચડ્યો હતો.
ઘુસણખોરની ઓળખ કરવામાં આવીરહી છે. સંસદમાં ઘુસવા પાછળ શખ્સનો હેતુ શું હતો એ જાણી શકાયું નથી. તેને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે 21 જુલાઈથી શરૂ થયેલું સંસદનું ચોમાસુ સત્ર હજુ ગઈ કાલે ગુરુવારે સમાપ્ત થયું. 32 દિવસ સુધી ચાલેલા આ સત્રમાં કુલ 21 બેઠકો યોજાઈ હતી. સરકારે આ સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે, આ સાથે વિપક્ષનો ભારે હોબાળો જોવા મળ્યો હતો.

અગાઉ પણ સંસદની સુરક્ષામાં ચૂક:

અગાઉ પણ સંસદની સુરક્ષામાં ચૂક થઈ હતી. સંસદ ભવન પર આતંકવાદી હુમલાની વર્ષગાંઠના દિવસે 13 ડિસેમ્બર 2023ના રોજ લોકોએ લોકસભા ગૃહમાં ઘૂસી ગયા હતાં અને પીળો ધુમાડો છોડ્યો હતો. તેમણે લોકસભા અને સંસદ પરિસરમાં ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તમામની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી, જો કે બાદમાં હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતાં.

આપણ વાંચો:  યુપીમાં 18 વર્ષ પહેલાં જેનું એન્કાઉન્ટર થયેલું તેને પોલીસે સમન્સ મોકલી દીધું

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button