નવી દિલ્હીઃ ટાટા ગ્રૂપની માલિકીની એરલાઈન એર ઈન્ડિયાએ તેના લગભગ 25 કેબિન ક્રૂ સભ્યોને સેવામાંથી બરતરફ કર્યા છે. હકીકતમાં મંગળવારે એક સાથે 100થી વધુ કર્મચારીઓએ માંદગીની રજા લીધી હતી. જેના કારણે 90 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. ફ્લાઈટ કેન્સલ થવાના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ફ્લાઈટના સંચાલનને અસર થઈ હતી. હવે એરલાઈને ક્રૂ મેમ્બરો સામે કાર્યવાહી કરી છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસે તેના ઘણા કેબિન ક્રૂ મેમ્બર્સને નોટિસ આપ્યા વગર કાઢી મૂક્યા છે.
તાજેતરમાં એરલાઇન્સની 90 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ફ્લાઈટ કેન્સલ થવાના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, ટિકિટ રિફંડ ઉપરાંત એરલાઇન્સે મુસાફરોને બીજી ફ્લાઇટ પસંદ કરવાનો વિકલ્પ પણ આપ્યો હતો.
એ જ સમયે એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા એક કર્મચારીને મોકલવામાં આવેલા ટર્મિનેશન લેટરમાં જણાવવામાં આવ્યું હતું કે તમામ કેબિન ક્રૂ સભ્યોએ એક જ સમયે એક સાથે બીમારીની રજા લીધી હતી. આ સ્પષ્ટપણે કોઈપણ વાજબી કારણ વગર કામમાંથી પૂર્વ આયોજિત ગેરહાજરી તરફ નિર્દેશ કરે છે. ગેરહાજરી પાછળ કોઈ ચોક્કસ કારણ જણાતું નથી.
એર ઈન્ડિયા એક્સપ્રેસનો આ ટર્મિનેશન લેટર સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો છે. એરલાઈને ઈમેલ દ્વારા ક્રૂ મેમ્બર્સને ટર્મિનેશન લેટર મોકલ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે એક જ સમયે મોટા પાયે માંદગીની રજા લેવી એ નિયમોનું ઉલ્લંઘન છે. કર્મચારીઓએ એર ઈન્ડિયા એક્સપ્રેસ લિમિટેડ કર્મચારી સેવા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.