મધ્ય પ્રદેશના બૈતુલની ખાણમાં સ્લેબ તૂટતા ઘટી મોટી દુર્ઘટના, અનેક શ્રમિકો દટાયા

ભોપાલ: મધ્યપ્રદેશના બેતુલમાં કોલસાની ખાણમાં દુર્ઘટના સર્જાય છે. અહી સ્લેબ તૂટી પડવાથી શ્રમિકો ફસાયા હોવાના અહેવાલો છે. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા હોવાની પણ વિગતો છે. જ્યારે કેટલાક શ્રમિકોની હાલત ગંભીર છે. માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં સર્જાય દુર્ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડની ખાણમાં ગુરુવારે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાય હતી. વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (WCL)ની ખાણની અંદરનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેના કારણે કેટલાક શ્રમિકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સુપરવાઇઝર સહિત ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હાલ તેમના મૃતદેહ ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દુર્ઘટના બપોરે ૩ વાગ્યાની આસપાસ ઘટી હતી.
સુપરવાઇઝર સહિત ત્રણ લોકોના મોત
પોલીસનાં જણાવ્યા અનુસાર આ દુર્ઘટના છતરપુર વિસ્તારમાં સરકારી માલિકીની કોલ ઈન્ડિયા લિમિટેડની પેટાકંપની WCLની ભૂગર્ભ ખાણમાં ઘટી હતી. ખાણમાં સ્લેબ તૂટી પડતાં સુપરવાઇઝર સહિત ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસ અધિક્ષક નિશ્ચલ ઝારિયાએ જણાવ્યું હતું કે ખાણની છત ધરાશાયી થયા બાદ કાટમાળમાંથી બચાવી લેવામાં આવેલા ત્રણ WCL કર્મચારીઓના મોત થયા છે.