રાયપુરમાં મોટી દુર્ઘટના: સ્ટીલ પ્લાન્ટની છત તૂટી પડતાં 6 કામદારોના મોત, 6 ગંભીર રીતે ઘાયલ

રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં એક ખાનગી સ્ટીલ પ્લાન્ટમાં બાંધકામ હેઠળનું માળખું તૂટી પડતાં છ કામદારોના કરૂણ મૃત્યુ થયા છે. આ ઘટનામાં અન્ય છ કામદારો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે.
દુર્ઘટના વખતે હાજર હતા 12 કામદારો
રાયપુરના ધારસીવા પોલીસ સ્ટેશન વિસ્તારના સિલાતારાના ગોદાવરી પાવર એન્ડ સ્ટીલ લિમિટેડમાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં એક પેલેટ-મેન્યુફેક્ચરિંગ યુનિટની છત તૂટી પડી હતી. આ સમયે સ્ટીલ પ્લાન્ટમાં ત્યારે 12થી વધુ કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. જેની ભારે જાનહાનિ થવા પામી હતી. જેમાં 6 કામદારોનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે 6 કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
રાયપુરના એસએસપી લાલ ઉમેદ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે,” સ્ટીલ પ્લાન્ટના કાટમાળ નીચે અન્ય કામદારો ફસાયા હોવાની પણ આશંકા છે. માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોના મૃતદેહને નારાયણ હોસ્પિટલમાં અને ઘાયલોને દેવેન્દ્ર નગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”
સરકાર અને કંપનીની પ્રતિક્રિયા
છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાંઈએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના આત્માની શાંતિ તથા ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. પ્લાન્ટ મેનેજમેન્ટે આ ઘટનાને દુઃખદ ગણાવી છે અને મૃતકો તેમજ ઘાયલોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. હાલમાં પ્લાન્ટના દરવાજા બંધ કરીને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અકસ્માતનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો…મુંબ્રામાં બિલ્ડિંગનો ભાગ તૂટી પડતાં વૃદ્ધાનું મોત, પુત્રવધૂ ઘાયલ